નવી દિલ્હી, તા. 27 : સુપ્રીમ કોર્ટે
સોમવારે એક ધ્યાન ખેંચતા નિર્દેશમાં જણાવ્યું હતું કે, પ્રદર્શનકારીઓ
પર પોલીસની બર્બરતા યોગ્ય ઠેરવી ન શકાય. શાંતિપૂર્ણ પ્રદર્શન કરવું નાગરિકોનો બંધારણીય
અધિકાર છે. સર્વોચ્ચ અદાલતે જંતરમંતર પર 20 જુલાઈની સંસદ કૂચ વખતે પોલીસ લાઠીચાર્જ સંબંધિત અરજીઓની સુનાવણી
કરતાં આવી વાત કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને વી. મોહનની ખંડપીઠે
એવું પણ કહ્યું હતું કે, એ પ્રદર્શન દરમ્યાન પોલીસ કર્મીઓ પર
હુમલા થવા પણ એટલી જ ચિંતાની વાત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પોલીસ દ્વારા લેવાયેલાં લાઠીચાર્જ જેવાં પગલાંના આરોપોની સ્વતંત્ર તપાસ થવી
જોઈએ. અદાલતે દેશભરમાં પ્રદર્શનો સામે નિયમન માટે એકસમાન પોલીસ પ્રોટોકોલની જરૂરત પર
પણ ભાર મૂક્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિએ મૌખિકરૂપે જણાવ્યું હતું કે, કાયદાની મર્યાદામાં શાંતિપૂર્ણ પ્રદર્શનનો અધિકાર બંધારણ હેઠળ પૂર્ણપણે સુરક્ષિત
છે. માત્ર આંદોલન થઈ રહ્યું છે, એ કોઈ વધારે પડતા બળપ્રયોગનું
કારણ ન હોઈ શકે. શાંતિપૂર્ણ પ્રદર્શન પર પોલીસ કાર્યવાહીની સ્વતંત્ર તપાસ તેમણે જરૂરી
લેખાવી હતી. લાઠીચાર્જ જેવી બર્બરતાને યોગ્ય ઠેરવી જ ન શકાય, માત્ર દિલ્હીનો જ મામલો નથી. આખા દેશ માટે પ્રોટોકોલમાં એકરૂપતા લાવવી પડે
તેવું અદાલતે જણાવ્યું હતું. અદાલતે ઘટના દરમ્યાન ઘાયલ થયેલા પોલીસ કર્મીઓના પરિવારો
તરફથી રજૂ થયેલા એક વકીલને કાર્યવાહીમાં સામેલ કરવાના અનુરોધને પણ મંજૂરી આપી હતી.
જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે, ઈજા પોલીસને થાય કે
છાત્રોને, બેય ચિંતાના વિષય છે. પોલીસને હેલમેટ જેવાં ઉપકરણો
આપવાં જોઈએ. દરમ્યાન, રાજ્યસભા સાંસદ મનોજકુમાર ઝાએ પણ સુપ્રીમ
કોર્ટમાં આ જ મામલે અરજી કરી હતી. હવે અદાલત તમામ અરજીઓ પર આવતીકાલે મંગળવારે એક સાથે
સુનાવણી કરશે. સીજેપી દ્વારા 20 જુલાઈના યોજાયેલી સંસદકૂચમાં પોલીસે દેખાવકાર છાત્રો પર અશ્રુવાયુ
પણ છોડયો હતો. દરમ્યાન, દિલ્હી પોલિસનાં
સૂત્રોએ કહ્યું હતું કે, સંસદ કુચ વખતે થયેલી હિંસામાં નવસોથી
વધુ એવા લોકો સામેલ હતા જેમની વિરુદ્ધ વિવિધ ગંભીર અપરાધોના આરોપ છે.