માતાના મઢ (તા. લખપત), તા. 27 : માલધારીઓનો
મુલક ગણાતા લખપત તાલુકામાં દોઢ લાખથી વધારે ગાયો,
ભેંસો, ઊંટ, ઘેટાં-બકરાં
સહિતનું પશુધન આવેલું છે. ચોમાસામાં વરસાદની ખેંચના કારણે છેલ્લા એક માસથી ઘાસ-પાણીની
વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. સરકાર દ્વારા રાહતભાવે 2 રૂપિયે કિલો ઘાસચારો એક પશુદીઠ રોજનું ચાર
કિલો ઘાસ આપવાની જાહેરાત કરવામાં આવી છે, પણ લખપત તાલુકાના એકમાત્ર ઘાસ ગોડાઉનમાં અંદાજે 65 હજાર કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ
છે જેનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. દોઢ લાખના પશુધન સામે ઘાસનો સ્ટોક તણખલા સમાન
છે. ઘાસની ઘટ ઊભી થઈ રહી છે તેવું વહીવટી તંત્ર પણ કબૂલી રહ્યું છે. આવી અછતની વિકટ
સ્થિતિમાં પશુપાલકો પણ હતાશ બન્યા છે. માર્કેટમાં ઘાસનો ભાવ પ્રતિકિલો 20 રૂપિયા ખર્ચ કરતાં પણ નથી મળતો
તેવી વ્યથા પશુપાલકો દર્શાવી રહ્યા છે. તાલુકાના માતાના મઢ, દયાપર, બરંદા,
કૈયારી તથા પ્રાગપરમાં ઘાસ ડેપો શરૂ કરવાની યોજના બની રહી છે પણ સવાલ
એ છે કે પૂરતા ઘાસના જથ્થા વગર વિતરણ કરવું કેમ ? તેવા સવાલો
ઊઠી રહ્યા છે. મે, જૂન, જુલાઈના મહિનામાં
દર વર્ષે ઘાસચારાની અછત ઊભી થાય છે. અહીંના મોટાભાગના વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી
થાય છે એટલે અહીં ખેડૂતો દ્વારા ઘાસચારાનો અગાઉ ઉગાડીને સ્ટોક રાખી શકાતો નથી. પશુપાલકો,
માલધારીઓના મનમાં અનેક સવાલો આ ઘાસની વિતરણ વ્યવસ્થા ઉપર ઊઠી રહ્યા છે.
મલેકભાઈ જત, માનસંગજી સોઢા, આશાભાઈ રબારી,
કાનાભાઈ રબારી, ઈબ્રાહિમ સુમરા સહિતના પશુપાલકો
આભ તરફ મીટ માંડી કહી રહ્યા છે કે મેઘરાજા, વરૂણદેવ તથા ઉપર બેઠેલો
માલિક કચ્છમાં સચરાચર વર્ષા કરી આ વિકટ પરિસ્થિતિમાં થી બહાર લાવી શકે છે.