મુંદરા, તા. 27 : મુંદરા તાલુકાના ખેડૂતો માટે
આધારભૂત સમી ભૂખી નદીને નવસર્જિત કરવાનો મેગા પ્રોજેક્ટ ગ્લોબલ કચ્છ-કચ્છમિત્ર દ્વારા
દીનદયાળ પોર્ટ ઓથોરિટીના આર્થિક સહયોગથી ધમધોકાર રીતે ચાલી રહ્યો છે ત્યારે આ નવસર્જન
અર્થે નીકળેલી રેતી-માટીને નદીપટ્ટની બાજુમાં ફરી ઉપયોગ અર્થે રખાઇ છે પરંતુ ખનિજચોરોનો
તેના પર ડોળો મંડરાયો છે અને આ રેતી (ખનિજ) ચોરી કરતા હોવાનું સામે આવતાં તંત્ર સમક્ષ
ગ્લોબલ કચ્છે રજૂઆત કરતા આવા ખનિજચોરો પર ધોંઇ બોલાવાઇ છે. ત્રણ દિવસ પહેલાં મુન્દ્રા
તાલુકાના મોટા કપાયા પાસે ભૂખી નદી પટ્ટમાંથી ખનિજ ચોરી ઝડપાઈ હતી. જેમાં ત્રણ ટ્રેક્ટર
જપ્ત થયા હતા અને આજે ફરી ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી, પુર્વ કચ્છની ટીમ તથા પ્રાગપર પોલીસે કાર્યવાહી
કરીને એક લોડર તથા એક ડમ્પર વડે સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખનન ઝડપવા સાથે અંદાજીત
40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
હતો. સત્તાવાર જાણકારી મુજબ, કચ્છના
કલેકટર અનિલ રાણાવાસીયાની સુચનાથી અને ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ભુસ્તરવિજ્ઞાન
અને ખનીજ કચેરી, પુર્વ કચ્છની ટીમ તથા પ્રાગપર પોલીસ સ્ટેશનની
ટીમ દ્વારા સોમવારે તપાસમાં મોટા કપાયા ભૂખી નદી પટ્ટમાંથી એક લોડર તથા એક ડમ્પર દ્વારા
સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન મામલે વાહનો પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં
આવ્યા છે. તપાસ દરમિયાન અંદાજીત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કસુરદારો સામે નિયમોનુસાર કાર્યવાહી
હાથ ધરવામાં આવશે. અહીં એ નોંધનીય છે કે, મુન્દ્રા તાલુકામાં ખેડૂતો માટે આધારભૂત સમી ભૂખી નદીને નવસર્જિત કરવાના મેગા
પ્રોજેક્ટનું કામ ધમધોકાર રીતે ગ્લોબલ કચ્છ-કચ્છમિત્ર દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના
આર્થિક સહકારથી ચાલી રહ્યું છે. પણ, આ કામ દરમિયાન વર્ષોથી ખનીજ
ચોરીની આદતવાળા લોકોના પેટમાં તેલ રડાયું છે. આ નિ: સ્વાર્થ અને જળસંચયના ઉમદા પ્રોજેક્ટના
હવનમાં હાડકાં નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, ખાણ ખનીજ વિભાગ
અને પોલીસ તંત્ર ઉચ્ચ અધિકારીઓના સાથ અને સૂચનાને પગલે એ મક્કમ રીતે સજાગ રહીને બાતમી
મળતાં જ આવા તત્વોને પકડી રહ્યું છે. આ સંદર્ભમાં સોમવારે પ્રાગપર પોલીસ અને પૂર્વ
ખાણ ખનિજ વિભાગે પણ કાર્ય પાર પાડ્યું હતું. પ્રાગપર પોલીસે બીજી વાર એવું સરાહનીય
કામ બહાર પાડ્યું છે કે, જેમાં તેમનાં હદ વિસ્તારમાં નહીં હોવા
છતાં પણ ખનીજ ચોરી પર અંકુશ મેળવવા માહિતી મળતાંની સાથે જ કાર્યવાહી પાર પાડી હતી.