ગાંધીધામ, તા. 27 : શહેરના મધ્યમવર્ગીય- પોશ એવા
સુભાષનગર વિસ્તારમાં આઘાતજનક અને ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જે પુત્રને આંગળી
પકડીને મોટી કર્યો એ જ પુત્રે રાતોરાત પોતાના જ પિતાના કબાટ-તીજોરી તોડીને તેમાંથી
રૂા.5,55,000ની મતા સફાચટ કરી રૂા.25 લાખની કાર લઈને નાસી ગયો હતો.
શહેરના સુભાષનગર વોર્ડ-8-એ પ્લોટ નંબર
80માં રહેનાર વેપારી અને આ બનાવના ફરિયાદી
એવા રામજી ખીમા રાજપુત પોતાના કામથી તા.20/7ના અમદાવાદ ગયા હતા અને તેમના ત્રણ સંતાન પૈકી સૌથી નાનો દિકરો
પ્રહલાદ ઘરે હતો. ત્યારે રાત્રે 11 વાગ્યાના
અરસામાં ફરીયાદીના પત્નીએ તેમને ફોન કર્યો હતો અને પ્રહલાદ સવારે 11 વાગ્યે બીએમડબલ્યુ કાર નંબર
જીજે.06.પી.જે.0003 કિંમત રૂા.25 લાખ વાળી લઈને નીકળી ગયો છે
અને હજુ પરત આવ્યો નથી અને કબાટની તીજોરીના તાળા તુટેલા હોવાની જાણ કરી હતી. ફરિયાદીએ
પોતાના દિકરાનો સંપર્ક કરતાં તેણે ફોન ઉંચક્યો નહોતો. સગા-વ્હાલામાં પણ તેનો કોઈ પતો
મળ્યો ન હતો. દરમ્યાન ફરીયાદીના મોટા દિકરા સિદ્ધરાજએ પ્રહલાદને ફોન કરતાં પોતે મુંબઈ
ગયો હોવાનું કહી તેણે ફોન બંધ કરી નાખ્યો હતો. ફરીયાદી ઘરે આવેને જોતાં તિજોરીમાંથી
રોકડ રૂા.1,50,000, સોનાની ત્રણ વીટી, ત્રણ તોલાની સોનાની ચેન, પોણા બે તોલાનું સોનાનું બ્રેસલેટ, ચાર તોલાની સોનાની
રૂદ્રાક્ષ તથા જમીનના અસલ દસ્તાવેજો એમ કુલ રૂા.5,55,000ની મતાની ચોરી થઈ હોવાનું સામે
આવ્યું હતું. આ બનાવે માત્ર પરિવારને આઘાતમાં નથી નાખ્યો પણ સમગ્ર સંકુલમાં અરેરાટી
સાથે ચકચાર પ્રસરી હતી. આ બનાવ અંગે પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ આખરે પિતાએ હિંમત
ભેગી કરીને એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ
ધરી છે.