• મંગળવાર, 28 જુલાઈ, 2026

છ પાકિસ્તાની નાગરિકને આઠ વર્ષની જેલ

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદ શહેર સેશન્સ કોર્ટમાં આવેલી એનઆઈએની વિશેષ અદાલતે 2019ના ચર્ચિત હેરોઈન સ્મગાલિંગ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કુલ સાત આરોપીઓમાંથી છ પાકિસ્તાની નાગરિકોને ભારતીય દરિયાઈ સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ આઠ વર્ષની સખત કેદ અને પ્રતિ વ્યક્તિ રૂ.52 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે એક ભારતીય આરોપી સહિત તમામ આરોપીઓને હેરોઈન સ્મગાલિંગ, આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં એકત્ર કરવાના ષડયંત્ર અને અન્ય ગંભીર આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં દોષિત ઠેરાવવામાં આવેલા પાકિસ્તાની નાગરિકોમાં સફદર અલી (કેપ્ટન), અલાહી દાદ અંગિયારા, અઝીમ ખાન, અબ્દુલ અઝીઝ, અબ્દુલ ગફુર અને મોહમ્મદ મલાહનો સમાવેશ થાય છે. ઉપરાંત ભારતીય નાગરિક રમઝાન પલાણી, જે ભારતીય બોટ ફૈઝાને કિર્માનીનો ટંડેલ હતો, તેને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. 21 મે, 2019ના રોજ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સને ગુપ્ત બાતમી મળી હતી કે પાકિસ્તાની બોટ અલ-મદીના કચ્છના જખૌ નજીક ભારતીય દરિયાઈ સીમામાં હેરોઈનની મોટી ખેપ પહોંચાડવા આવી રહી છે. આ માહિતીના આધારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જહાજ આરિંજયએ પાકિસ્તાની બોટને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ દરમિયાન પાકિસ્તાની બોટના ક્રૂએ શંકાસ્પદ કોથળાઓ દરિયામાં ફેંક્યા હતા. બાદમાં કોસ્ટ ગાર્ડે દરિયામાંથી સાત કોથળાઓમાં રહેલા કુલ 194 પેકેટમાંથી આશરે 217.85 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હોવાનું જણાવ્યું હતું. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ પાકિસ્તાની અને ભારતીય આરોપીઓએ મળીને પાકિસ્તાનથી ભારતમાં અંદાજે 330 કિલોગ્રામ હેરોઈનની દાણચોરી કરાઈ રહી હતી. આ હેરોઈનના વેચાણમાંથી મળનારી રકમ આતંકવાદી ભંડોળમાં વાપરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત છ પાકિસ્તાની આરોપીઓ સામે પાસપોર્ટ અને વિઝા વિના ભારતીય દરિયાઈ સીમામાં પ્રવેશવાનો આરોપ પણ નોંધાયો હતો. કોર્ટે દરિયમાંથી કોથળાઓ રિકવર કરવાની કોઈ વીડિયોગ્રાફી કે સ્વતંત્ર પંચોની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવી નહીં હોવાનું નોંધ્યું હતું. બોટમાંથી કોઈ શંકાસ્પદ સામગ્રી કે હોરોઈન મળ્યું નહતું. ભારતીય નાગરિક પાસેથી પણ નશીલો પદાર્થ મળ્યો નહીં હોવાનું કોર્ટે નોંધ્યું હતું. પાસપોર્ટ નિયમો અને ફોરેનર્સ એક્ટના ભંગ બદલ છ પાકિસ્તાની નાગરિકોનો દોષિત જાહેર કરાયા હતા. પાકિસ્તાની આરોપીઓને ભારતમાં ગેરકાયદે પ્રવેશ અંગે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેઓ કોઈપણ માન્ય પાસપોર્ટ, વિઝા કે કાયદેસરના દસ્તાવેજો વિના ભારતીય દરિયાઈ સીમામાં પ્રવેશ્યા હોવાનું પૂરવાર થયું હતું. પરિણામે કોર્ટે પાકિસ્તાન નાગરિકોને  8 વર્ષની જેલ અને રૂ. 52 હજારનો દંડ ફટકાર્યો હતો. એનઆઈએ કોર્ટે ગુનાહિત ષડયંત્ર, આતંકવાદી પ્રવૃતિ અને નશીલા પદાર્થોના સ્મગાલિંગના આરોપમાંથી ભારતીય સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

Panchang

dd