ભારત જેવા મજબૂત લોકશાહી દેશમાં આઝાદીના સાત દાયકા બાદ પણ તમામ
નાગરિકોના સમાન અધિકાર અને ફરજો અંગે અસ્પષ્ટતા પ્રવર્તી રહી છે. સમાન નાગરિક ધારાની
અનિવાર્યતા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ સંદર્ભમાં હવે રાજ્ય વિધાનસભાઓએ
સ્પષ્ટ વલણ સાથે પહેલ કરી રહી છે. તાજેતરમાં મધ્યપ્રદેશ વિધાનસભાએ સમાન નાગરિક સંહિતા
(યુસીસી) ખરડાને બહાલી આપી દીધી છે. આ અગાઉ ગુજરાત,
આસામ અને ઉત્તરાખંડમાં પણ આ ખરડાને બહાલી મળી ચૂકી છે. બંગાળમાં પણ આ ખરડાના મુસદ્દો તૈયાર કરવા એક ઉચ્ચ
સ્તરીય સમિતિ કામે લાગી ચૂકી છે. મહિલાઓના સમાન અધિકાર, બાળ અધિકાર
અને સમાન નાગરિક સંરક્ષણ જેવા મુદ્દા માટે આધુનિક સમયમાં યુસીસી અનિવાર્ય બની ગયો છે.
હવે આ મામલે ચર્ચા નિર્ણાયક તબક્કે પહોંચી ચૂકી છે. કમનસીબે સમાન નાગરિક ધારાના મુદ્દાને મતોના રાજકારણમાં
ધાર્મિક સ્વરૂપ આપીને તેને ખોરવવાના પ્રયાસ સતત થતા રહ્યા છે. મહિલાઓ અને બાળકોના અધિકારોના
રક્ષણ ઉપરાંત દેશના તમામ નાગરિકોને એક સમાન સ્તરે ગણવાની માટે હવે આ કાયદો ચાવીરૂપ
બની શકે છે. હવે સમાન નાગરિક ધારાનો મુદ્દો માત્ર રાજકીય કે ધાર્મિક ચર્ચા પૂરતો મર્યાદિત
રહ્યો નથી. ન્યાયતંત્ર પણ બાળકો અને મહિલાઓના અધિકારોના મામલે આવા કાયદાની હિમાયત કરતું
થયું છે. અલ્હાબાદ વડી અદાલતે એક મામલમાં સ્પષ્ટ
કર્યું છે કે, બાળ વિવાહ પ્રતિબંધ અને પોસ્કોના કાયદાતળે કોઈ
વ્યક્તિગત કાયદો અપવાદનો આધાર બની શકે નહીં, તો સર્વોચ્ચ અદાલતે
પણ લગભગ ત્રણ દાયકા અગાઉ એક મામલામાં કહ્યંy હતું કે, ભારત
એ એક પંથનિરપેક્ષ લોકશાહી દેશ છે અને ધાર્મિક સ્વતંત્રતા તેની મૂળ સાંસ્કૃતિક વિશેષતા
છે, પણ માનવ અધિકારો અને માનવીય ગરિમાનું ઉલ્લંઘન કરતી ધાર્મિક
પ્રથાઓ સ્વતંત્રતા નહીં પણ દમનું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. એટલા માટે જ પીડિત વર્ગોની
સલામતી અને રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાને મજબૂત કરવા સમાન નાગરિક ધારો જરૂરી છે. વાસ્તવિકતા
એ છે કે, સર્વોચ્ચ અદાલતના આ મતના ત્રણ દાયકા બાદ પણ દેશમાં હજી
સુધી સમાન નાગરિક ધારો અમલી થઈ શક્યો નથી. હવે આ મુદ્દો ધાર્મિક સ્વરૂપ લઈ રહ્યો છે.
મતોના રાજકારણની કોઈ તક જતી ન કરતા અમુક રાજકીય પક્ષો સમાન નાગરિક ધારાના વિચારનો વિરોધ
કરીને આવા કોઈ પણ પગલાં સામે ઉશ્કેરણી ફલાવી રહ્યા છે, પણ આજે
તેઓ પોતાના સ્વાર્થ માટે એ હકીકત તરફ ધ્યાન આપવા માગતા નથી કે, 99 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા તુર્કી
જેવા દેશમાં છેક 1926થી સમાન નાગરિક
ધારો અમલમાં છે. ખરેખર હવે સમય આવી ગયો છે કે, ભારતમાં સમાન નાગરિક ધારાની વાત કોઈ ધર્મની માન્યતાની વિરુદ્ધની નહીં પણ દેશના
બંધારણ દ્વારા અપાયેલા સમાનતા, ગરિમા અને ન્યાયના સિદ્ધાંતોના
જતન માટેની હોવાનો સ્વીકાર થવો જોઈએ. મહિલાઓ
અને બાળકોને સમાન અધિકારો આપવા એ કોઈ પણ લોકશાહીનો પાયાનો ઉદ્દેશ હોવો જોઈએ.