ભુજ, તા. 27 : બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન
સર્જાયું છે. આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવા અનુમાન વચ્ચે હવામાન વિભાગે આગામી
સપ્તાહમાં રાજ્યની સાથે કચ્છમાં પણ વરસાદનો એક સારો રાઉન્ડ આવશે તેવો સાનુકૂળ વર્તારો
આપ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 31 જુલાઇથી 5 ઓગસ્ટ દરમ્યાન
બંગાળની ખાડીની સિસ્ટમના પ્રભાવથી વરસાદનો વિસ્તાર અને તીવ્રતા વધી શકે છે. સાત દિવસના
વર્તારામાં શુક્રથી રવિ દરમ્યાન મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના દેખાડાઇ છે. હજુ
આગામી બેથી ત્રણ દિવસ હળવો વરસાદ વરસે તેવી સંભાવના વચ્ચે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં
વરાપનો માહોલ જોવા મળ્યો હતો. વાદળોની હાજરીમાં સમયાંતરે તડકો પણ જોવા મળ્યો હતો. મહત્તમ
તાપમાન 33થી 35 ડિગ્રી વચ્ચે પહોંચતાં ઉકળાટનો પણ અનુભવ થયો હતો. હવામાન નિષ્ણાતોના
મતે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમની વર્તમાન સ્થિતિ જોતાં કાંઠાળ વિસ્તારમાં વરસાદની
તીવ્રતા વધુ રહી શકે છે. જો આ સિસ્ટમ સાનુકૂળ રીતે આગળ વધી તો કચ્છ માટે આ વરસાદી રાઉન્ડ
મહત્ત્વનો સાબિત થશે.