• બુધવાર, 29 જુલાઈ, 2026

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરી સંવૈધાનિક દરજ્જો આપો

ભુજ, તા. 27 : ભારતમાં ગૌમાતા અને નંદી સહિતના ગૌવંશની સુરક્ષા, સન્માન અને સંરક્ષણ માટે સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ સામૂહિક જાગૃતિ સાથે હસ્તાક્ષર અભિયાન હાથ ધરાયું હતું. દેશવ્યાપી હસ્તાક્ષર અભિયાનના બીજા તબક્કામાં ગૌભક્ત દેશવાસીઓની સહી સાથેનું પ્રાર્થનાપત્ર કચ્છ કલેકટરનાં માધ્યમથી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી પહોંચાડાયાં હતાં. ભુજમાં ગૌસન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ટાઉનહોલ ખાતે સંતો-મહંતો, જૈનાચાર્ય તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગૌપ્રેમીઓની હાજરીમાં એક કલાક શ્રીરામ જય રામનો વિજય મંત્રજાપ કરવામાં આવ્યો હતો. એ પછી ગૌમાતાનુ પૂજન કરાયું હતું. ગૌમાતાનાં પૂજન બાદ ગાયમાતાને સાથે રાખી ગૌ સંકીર્તન કરતા ગૌપ્રેમીઓએ રેલી યોજી કલેકટર કચેરીએ પહોંચી કલેકટર અનિલ રાણાવસિયાને પ્રાર્થનાપત્ર સુપરત કર્યું હતું. ગૌસન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ગૌભકતોની સહી સાથેના પ્રાર્થનાપત્રમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરી સંવૈધાનિક દરજો આપવા, ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી ગૌહત્યા માટેનો કાયદો કડક અમલવારી સાથે લાગુ કરવા, ગૌસુરક્ષા પ્રદાન કરવા, ગૌચર બોર્ડની રચના કરવા, અલાયદું કેન્દ્રીય ગોપાલન મંત્રાલય બનાવવા સહિત 36 પ્રકારની વિવિધ ગૌવંશ માટેની યોજનાને લાગુ કરવાની માગણી કરાઇ હતી. જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં સામૂહિક રૂપે હસ્તાક્ષરો સાથેના પ્રાથનાપત્રો સાધુ-સંતોની આગેવાનીમાં સનાતની ગૌપ્રેમીઓની વિશાળ ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રેલી યોજી કલેક્ટરને સુપરત કરાયા હતા. ઉપસ્થિત સાધુ-સંતો અને ગૌપ્રેમીઓએ ગાયમાતાને યોગ્ય સન્માન મળે અને તેમને યોગ્ય સુરક્ષા પ્રદાન થાય તે દિશામાં નક્કર કાર્યવાહી કરવા માટેનો સંકલ્પ લીધો હતો. ભુજ ખાતે યોજાયેલ કાર્યક્રમ અને રેલીમાં સંતો-મહંતો, જૈનાચાર્યો, ગૌસન્માન આહ્વાન અભિયાનના કાર્યકરોએ જોડાઈ ગૌમાતા પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

Panchang

dd