• શુક્રવાર, 27 જૂન, 2025

કટોકટી લોકશાહીની હત્યા સમાન

ભુજ, તા. 26 : આજથી 50 વર્ષ પૂર્વે કોંગ્રેસ દ્વારા દેશમાં લગાવવામાં આવેલી કટોકટી એ લોકશાહીની હત્યા સમાન હોવાનું જણાવતાં જ `શેમ શેમ' તેમજ વિરુદ્ધના ગણગણાટથી વાતાવરણ ગુંજી ઊઠયું... પાર્લામેન્ટ જેવું લાગતું આ દૃશ્ય આજે કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલી આ મોક પાર્લામેન્ટનું હતું. આ પૂર્વે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, દેશની યુવા પેઢીમાં લોકશાહીનાં મૂલ્યો બંધારણીય અધિકારો અને કટોકટી વખતે દેશમાં ઊભી થયેલી પરિસ્થિતિ અંગે જાગૃતિ આવે તે માટે દર વર્ષે ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસે લોકજાગૃતિના કાર્યક્રમો કરાતા હોય છે. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે યુવાનોને 50 વર્ષ અગાઉ દેશમાં કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી કટોકટી વખતની સ્થિતિ અંગે જાણકારી આપી હતી અને કહ્યું કે, ભાજપ માટે રાજનીતિ એ સેવાનું માધ્યમ છે, જેમાં રાષ્ટ્ર પ્રથમ... બીજું બધું પછી... દેશભક્તિ-રાષ્ટ્રીયતા એ સર્વોપરી... સેવા એ સત્તાનું માધ્યમ છે, કોઇ પદ કે પ્રતિષ્ઠા ભાજપ માટે મહત્ત્વના ન હોવાના આવા મૂલ્યવાન વિચારો અમને અમારા ભાજપના પૂર્વજોના વિચારો મળ્યા હોવાનું જણાવ્યું હતું. આ મોક પાર્લામેન્ટ સ્ટેશનમાં 80 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. દેશની સંસદનું સેશન ચાલતું હોય તે ઢબે મોક પાર્લામેન્ટ ચાલી હતી. આ આયોજન થકી યુવાનોમાં રાજકીય ક્ષેત્રે જાગૃતિ આવી હતી. ભાગ લેનારા યુવાનોએ મોક પાર્લામેન્ટનો અનુભવ ભવિષ્યમાં ઉપયોગી બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ વેળાએ પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય રામભાઇ ગઢવી, ભાજપ ઉપપ્રમુખ રાહુલભાઈ ગોર, હિતેષભાઈ ખંડોર, તાપસ શાહ, દિવ્યરાજાસિંહ જાડેજા, કૃણાલ મહેશ્વરી અને યુવા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો હાજર રહ્યા હતા. દરમ્યાન, યુવાઓએ આ મોક પાર્લામેન્ટમાં પ્રધાનમંત્રી, મંત્રીમંડળ, વિપક્ષના નેતાઓનો રોલ બખૂબી નિભાવ્યો હતો. રજૂઆતને આધારે મૂલ્યાંકન કરાયું હતું. પ્રથમ વિજેતા પાર્થ વિશ્રામ ગઢવી (મોટા લાયજા), ઇપ્સીતા મુખર્જી દ્વિતીય અને શ્રેયા ધોળકિયા તૃતીય વિજેતા જાહેર કરાયા હતા. વિજેતાઓને સ્મૃતિચિહ્ન આપી સન્માનવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના જજ તરીકે જિતેનભાઇ ઠક્કર અને ચિંતનભાઇ રાવલ તેમજ યુવા મોરચા-સાથીમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd