• શુક્રવાર, 27 જૂન, 2025

ભુજમાં દોસ્ત દોસ્ત ના રહા... ધંધામાં રોકાણ કરાવી 1.06 કરોડની છેતરપિંડી

ભુજ, તા. 26 : એક જ જ્ઞાતિ, કોલેજમાં સાથે અભ્યાસ અને વર્ષોથી કૌટુંબિક-મિત્રતાના સંબંધ હોવાથી યુવા વેપારીએ સુરતમાં બિલ્ડર્સ પેઢીનાં ઘરના પ્રોજેક્ટમાં ટાઈલ્સ અને વાયરિંગનો ઓર્ડર મેળવી નફાની લાલચ આપીને મિત્રએ જ રૂા. 1,06,45,000ની ઠગાઈ કર્યાની ફરિયાદ  નોંધાઈ છે. આ અંગે ભુજના માર્કેટયાર્ડમાં અરિહંત ટ્રેડર્સનાં નામે ખોડ, ભૂસાં, પશુ આહારનો ધંધો કરતા યુવા વેપારી અંકિત ધનસુખલાલ શેઠે નોંધાવેલી ફરિયાદ મુજબ તે તથા તેનો આરોપી મિત્ર દર્શિત પ્રભુલાલ મહેતા (રહે. ન્યૂ સ્ટેશન રોડ, ભુજ હાલે બરોડા) અમે બન્ને 2003માં કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા અને એક જ જ્ઞાતિ તથા સાથે અભ્યાસ કર્યો હોવાથી વર્ષોથી કૌટુંબિક તેમજ મિત્રતાના સંબંધો હતા. દર્શિત અભ્યાસ પૂર્ણ કરી દુબઈ નોકરી અર્થે ગયો હતો અને અમે સંપર્કમાં હતા. 2023ના ઓકટોબર માસમાં મિત્રે દર્શિત ફરિયાદીની દુકાને આવીને જણાવ્યું કે, તે સુરતમાં રેસ ટાઈલ્સની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. સુરતમાં એસકોન રિયાલિટી નામની પેઢીએ નવો પ્રોજેક્ટ સૂર્યા સિગ્નેચર બહાર પાડયો છે, જેમાં ઘર બનાવી વેચાણ કરવાના છે. આ પ્રોજેક્ટમાં ટાઈલ્સ અને ઘરના વાયરિંગનો ઓર્ડર મળે એમ છે. તને રૂપિયા કમાવવા હોય તો રકમની સગવડ કરવી પડશે, બાદમાં બન્ને નફો વેચી લેશું.આમ ફરિયાદી અંકિતે મિત્ર દર્શિત ઉપર વિશ્વાસ મૂકી દર્શિતના ભાઈ નીરવના બેન્ક ખાતાંમાં વર્ષ 2023 અને 24 દરમ્યાન અલગ-અલગ ટ્રાન્ઝેકશનથી કુલ રૂા. 1,06,45,000 નાખ્યા હતા અને નફા પેટે નીરવે પણ અંકિતનાં ખાતાંમાં અલગ-અલગ ટ્રાન્ઝેકશનથી કુલ રૂા. 17,12,500 જમા કરાવ્યા હતા, જેમાં છેલ્લે 25/10/24ના નફાની રકમ જમા કરાવી હતી. આ બાદ કોઈ રકમ જમા કરાવી ન હતી. દર્શિત સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેણે જણાવ્યું કે, આપણે જે બિલ્ડર સાથે કામ કરતા હતા તેનું કૌભાંડ નીકળતા તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. થોડો સમય રાહ જો તારી રકમ હું પરત ચૂકવી આપીશ. આ બાદ કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. નંબરો પણ સ્વિચ ઓફ આવતા હતા. અન્ય મિત્ર સાથે ફરિયાદી રૂબરૂ સુરત જતાં ત્યાં પણ ઘરે દર્શિત મળ્યો ન હતો. આમ દર્શિતે ફરિયાદીના રૂા. 1,06,45,000 પરત ન આપી તેની સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd