ગાંધીધામ, તા. 26 : શહેરના જી.આઇ.ડી.સી.માં આવેલા
એક ગોદામમાં પોલીસે છાપો મારી ત્રણ શખ્સને પકડી લેવાયા હતા. આ શખ્સો પાસેથી રૂા. 7,50,000ની ખાંડનો જથ્થો જપ્ત કરાયો
હતો. શહેરના સેક્ટર-10, જી.આઇ.ડી.સી.માં
પ્લોટ નંબર 74માં પૂર્વ કચ્છ એલ.સી.બી.એ છાપો માર્યો
હતો. ભાડાંનાં આ ગોદામમાં ચોરી અથવા છળકપટથી ખાંડનો જથ્થો સંગ્રહ કરાયો હોવાની પૂર્વ
બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ ગોદામમાંથી ગોદામ ભાડે રાખી ખાંડનો
જથ્થો મગાવનારા રાજેશ ઉર્ફે રાજુ મોહન ભદ્રા (ભાનુશાલી) (રહે. 9-બી, મુક્તાનંદ સોસાયટી, ભારતનગર, ગાંધીધામ),
માલ લેવા આવનાર વિષ્ણુ પ્રહલાદ રાવળ (રહે. રાધનપુર, પાટણ) તથા ગોદામમાં મેનેજર તરીકે કામ કરનાર દિનેશસિંહ વૃંદાવનસિંહ લોદી (રહે.
કાર્ગો ગાંધીધામ) નામના શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ગોદામમાંથી પોલીસે 50 કિલોની એક એવી 500 બોરી કિંમત રૂા. 7,50,000નો જથ્થો જપ્ત કરાયો હતો તેમજ
ટ્રક નંબર જી.જે.-12-એ.ડબલ્યુ.-7121 અને ત્રણ મોબાઇલ હસ્તગત કરવામાં
આવ્યા હતા. રાજુને કિડાણાના કાસમ કકલે ખાંડનો જથ્થો મોકલાવ્યો હતો જે કિડાણાનો મનજી
આહીર અહીં લઇ આવ્યો હતો. રાધનપુરનો શખ્સ ખાંડ લઇને કોને વેચવા જવાનો હતો તેમજ કાસમે
ક્યાંથી જથ્થો મેળવ્યો હતો તેની તપાસ હાથ ધરાઇ છે. દરમ્યાન કિડાણા નજીક આવેલી એક ખાનગી કંપનીમાંથી
આ જથ્થો ચોરી કરાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શહેરના અમુક વાજબી ભાવની દુકાનના
સંચાલકો પણ બારોબાર માલ વેચી નાખે છે અને તે માલ પણ જી.આઇ.ડી.સી. આસપાસના ગોદામોમાં
સંગ્રહ કરાય છે. બાદમાં સરકારી થેલીઓ કાઢીને ખાનગી બોરીઓમાં માલ ભરી વિદેશ રવાના કરાતું
હોવાની જૂની ફરિયાદો-આક્ષેપો છે, પરંતુ
જિલ્લા પુરવઠા વિભાગ, મામલતદાર કચેરી કે પોલીસ આ અંગે કોઇ કાર્યવાહી
કરતી હોય તેવું જણાતું નથી.