• શુક્રવાર, 27 જૂન, 2025

તેજીની હેટ્રિક : રોકાણકારોને 9.70 લાખ કરોડનો લાભ

મુંબઈ, તા. 26 : સકારાત્મક વૈશ્વિક સંકેતો અને ભૂરાજકીય તણાવમાં ઘટાડાને પગલે ગુરુવારે શેરબજારમાં બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકોએ સતત ત્રીજા સત્રમાં વધારો જાળવી રાખ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુ વધ્યા હતા. સેન્સેક્સ 1000.36 પોઈન્ટ અથવા 1.21 ટકા ઉછળીને 83,755.87 પોઈન્ટ્સ પર સ્થિર થયો. દિવસ દરમિયાન, તે 1056.58 પોઈન્ટ અથવા 1.27 ટકા વધીને 83,812.09 પોઈન્ટ થયો હતો, જ્યારે નિફ્ટી 304.25 પોઈન્ટ અથવા 1.21 ટકા વધીને 25,549 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો. ત્રણ દિવસના ઉછાળામાં રોકાણકારોની મૂડીમાં રૂા. 9.70 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. મુખ્ય વધનાર શેરોમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ, તાતા સ્ટીલ, ઈટરનલ, ભારતી એરટેલ, બજાજ ફાયનાન્સ અને અદાણી પોર્ટ્સનો સમાવેશ થાય છે. મિડકેપમાં 0.56 ટકાનો, તો સ્મોલ કેપમાં 0.12 ટકાનો સામાન્ય વધારો થયો હતો. બજારમાં તેજીને આગળ ધપાવનારાં અનેક મુખ્ય પરિબળો રહ્યાં હતાં. આમાં યુએસ-ઈરાન વાટાઘાટો મુખ્ય છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવમાં ઘટાડો થવાના સંકેતોને પગલે બજારોમાં તેજી જોવાઈ હતી. બુધવારે હેગમાં નાટો સમિટમાં બોલતાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાન સાથે વાટાઘાટો આગામી સપ્તાહે  થવાની સંભાવના છે અને ઈરાનની પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓને રોકવા માટે નવા કરારની શક્યતાનો સંકેત આપ્યો હતો. જિયોજિત ફાયનાન્શિયલ સર્વિસીસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી. કે. વિજયકુમારે જણાવ્યું કે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સાથે, વૈશ્વિક બજારો રિસ્ક-ઓન મોડમાં છે. જો કે, વણઉકેલાયેલ પારસ્પરિક ટેરિફ મુદ્દો ઉછાળાને મર્યાદિત કરી શકે છે. નવમી જુલાઈ આસપાસ ટેરિફ સોદા પર 90 દિવસનો વિરામ સમાપ્ત થાય છે તે સમયે થનારા ડેવલપમેન્ટ ઉપર બજારની નજર રહેશે. વૈશ્વિક સંકેતો પણ મજબૂત રહ્યાં હતાં. જાપાનનો નિક્કી 225 અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટમાં સકારાત્મક ટ્રાડિંગ સાથે એશિયન બજારો મોટાભાગે ઊંચા રહ્યાં હતાં. યુએસ બજારો રાતોરાત મિશ્ર બંધ થયાં, પરંતુ ફ્યુચર્સે યુએસ બજારો માટે સકારાત્મક શરૂઆતનો સંકેત આપ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd