અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં
27થી 29 જૂન દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક અતિભારે વરસાદ વરસવાની સંભાવના
છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત
અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વીજળી તેમજ તીવ્ર પવનની પણ શક્યતા
છે. રાજ્યમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 159 તાલુકાઓમાં
વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ
જિલ્લાના માળિયા હટીના તાલુકામાં 5.31 ઇંચ (135 મિ.મી.) ખાબક્યો
છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશના ઉપરના ભાગે હાલ એક શક્તિશાળી સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું
છે, જે પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે, જે ખૂબ મજબૂત છે. આ સર્ક્યુલેશનનો ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો છે,
જેના કારણે ભેજયુક્ત પવન ઝડપથી ગુજરાતમાં પ્રવેશી રહ્યો છે. આ પરિસ્થિતિના કારણે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં
શુક્રવારથી મેઘતાંડવ જોવા મળશે અને પાણી ભરાવ, નદી-નાળાઓમાં પૂર
જેવી સ્થિતિ અને લોકોના જીવન પર અસર થવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ
ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે, તો બીજા વિસ્તારોમાં પણ
સારો વરસાદ નોંધાઈ શકે છે. જો કે, સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક
વરસાદની સંભાવનાઓ છે અને આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા
મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. રાજ્યમાં
મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તોફાની બાટિંગના કારણે મોટા ભાગના પંથકો પાણીમાં
ગરકાવ થયા છે. વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે. અને હાલાકી ભોગવી રહ્યા છે. અતિ
ભારે વરસાદના કારણે નદીઓ, જળાશયો અને ડેમમાં નવા નીરની આવક થઇ
છે. નદીઓ બન્ને કાંઠે વહેતી થઇ છે. અને રસ્તાઓ પર નદીઓ જેવું વહેણ દેખાઇ રહ્યુ છે.
વાહન ચાલકો પરેશાન છે. પાણી અને ખાડામાં વાહનો ફસાઇ રહ્યા છે ત્યારે તંત્રને પણ તકેદારી
રાખવા સૂચના આપવામાં આવી છે. ગુરુવારે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 4.76 ઇંચ (121 મિ.મી.), જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં 4.65 ઇંચ (118 મિ.મી.), નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 4.17 ઇંચ (106 મિ.મી.) અને ચિખલી તાલુકામાં
4.02 ઇંચ (102 મિ.મી.) વરસાદ થયો છે.