• શુક્રવાર, 27 જૂન, 2025

લુડિયા ધોરીમાર્ગે કારની ડીકીમાં શરાબ ભરી વેચાણનો વીડિયો વાયરલ થતાં પોલીસની કાર્યવાહી

ભુજ, તા. 26 : છેલ્લા બે મહિનામાં રાજ્યસ્તરની પોલીસ ટુકડીએ પશ્ચિમ કચ્છમાં ગણનાપાત્ર શરાબના દરોડા પાડી કરોડો રૂપિયાનો અંગ્રેજી પ્રકારનો શરાબ ઝડપી નશાખોરીની બદી ફૂલીફાલી હોવાનો પર્દાફાશ કર્યો છે. આ વચ્ચે ગઈકાલે રાત્રે લુડિયા ધોરીમાર્ગ પર એક શખ્સ કારની ડીકીમાં શરાબ ભરી વેચાણ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમા આવી હતી અને રૂા. 25,920નો શરાબ - કાર સાથે આરોપીને ઝડપી લીધો હતો. દરમ્યાન માંડવીના કોડાયમાં પણ રહેણાકના વાડામાં પોલીસે દરોડો પાડી રૂા. 65,980ની કિંમતનો શરાબનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો, પરંતુ દરોડા દરમ્યાન આરોપી હાજર મળ્યો ન હતો. આ ઉપરાંત રાપરમાં જાહેરમાં વેચાતા દારૂના પોઈન્ટ પર પોલીસે છાપો મારી રૂા. 5525નો દારૂ ઝડપી પાડયો હતો, પરંતુ આરોપીને પોલીસની ગંધ આવી ગઈ હોય તેમ ત્યાંથી સરકી ગયો હતો. લુડિયાના ધોરીમાર્ગ પર એક વ્યક્તિ કારની ડીકીમાં અંગ્રેજી દારૂનું વેચાણ કરતો હોવાનો સ્થાનિકોએ તેનો વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. આથી ખાવડા પોલીસ હરકતમાં આવીને લુડિયા નાયરા પેટ્રોલપંપ પાસેથી એક ફોર્ચ્યુનર ગાડી દારૂ ભરીને ભાગી હોવાની બાતમીના આધારે પોલીસે પીછો કરી ભીરંડિયારા ચેકપોસ્ટ પાસે ગાડી નં. જી.જે.-12-સીપી-0902 કિં. રૂા. પાંચ લાખને પકડી તલાશી લેતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની શરાબની 48 બોટલ કિં. રૂા. 25,920 સાથે આરોપી મહાવીરસિંહ બળવંતસિંહ સોઢા (રહે. વેરાવાળા, તા. રાપર) ને ઝડપી ખાવડા પોલીસે કાયદેસરની કાર્યવાહી આદરી હતી. બીજી તરફ કોડાય પોલીસને ખાનગી બાતમી મળતાં કોડાયમાં રહેતા રુત્વિક ધનજી મહેશ્વરીના રહેણાક મકાનની પાછળ આવેલા વાડામાં દરોડો પાડી ત્યાંથી અલગ-અલગ બ્રાન્ડની શરાબની 35 બોટલ તથા 48 કવાર્ટરિયા અને 144 બીયર એમ કુલ્લે રૂા. 65,980નો શરાબનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમ્યાન આરોપી રુત્વિક હાજર મળ્યો હતો. કોડાય પોલીસે શરાબનો જથ્થો જપ્ત કરી આરોપી રુત્વિક વિરુદ્ધ પ્રોહિ. એકટ તળે ગુનો દાખલ કરી તેને ઝડપવા તજવીજ આદરી છે. રાપરમાં રાજાણી ચાની હોટેલ નજીક મઠ સાહેબની શેરીમાં ખુલ્લી જગ્યામાં દારૂ વેચાતો હતો. પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં દારૂ વેચનારા મહાવીરસિંહ ભગુભા વાઘેલાને તેની જાણ થઈ જતાં તે ત્યાંથી સરકી ગયો હતો. આ જગ્યાએથી પ્લાસ્ટિકના કોથળામાંથી ગ્રીન લેબલ 180 એમએલના 12 તથા લંડન પ્રાઈડ ત્રિપલના પાંચ કવાર્ટરિયા એમ કુલ રૂા. 5525નો અંગ્રેજી શરાબ જપ્ત કરાયો હતો. અહીં દારૂ વેચનારો શખ્સ કોના માટે કામ કરતો હતો તથા દારૂ કયાંથી કોણ આપી ગયો હતો તે સહિતના પ્રશ્નો અનુત્તર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd