ભુજ, તા. 26 : છેતરપિંડીની ટેવવાળા ત્રણ શખ્સને
ઠગાઈથી મેળવેલા રૂા. 2.90 લાખ રોકડ
સાથે એલસીબીએ ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. યેન-કેન પ્રકારે લોકોને શીશામાં ઉતારી છેતરપિંડી
કરતા આવા શખ્સો પર કાર્યવાહી શરૂ થયાનું ચિત્ર સામે આવ્યું છે. એલસીબીની ટીમને બાતમી
મળી હતી કે, અમીત મહેશભાઈ રાજગોર (રહે.
સરપટ નાકા બહાર, ભુજ), નદીમહુસેન સુલેમાન
ચાકી (રહે. કંજલી નગર, ભુજ) તથા શોએબ મામદ કકલ (રહે. મદિના નગર,
ભુજ) ત્રણેય હાલે મોટાપીર રોડ વાહેદના સ્કૂલ પાસે હાજર છે. તેઓ અગાઉ
છેતરપિંડીના ગુનાઓનો ઈતિહાસ ધરાવે છે અને હાલ શંકાસ્પદ છે. આ બાતમીના આધારે ત્રણેયને
ઝડપી તેની ઝડતી લેતાં અમિત પાસેથી રૂા. 1,05,00, નદીમહુશેન પાસેથી 60 હજાર અને શોએબ પાસથી રૂા. 1.25 લાખ મળી આવ્યા હતા. ત્રણેય ઈસમને આ રૂપિયા બાબતેના આધાર-પુરાવા
માંગતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં આ રૂપિયા છળકપટ કે છેતરપિંડીથી મળ્યાની કબૂલાત
આપતા ત્રણેયને શંકાસ્પદ રોકડ સાથે અટક કરી આગળની કાર્યવાહી માટે એ-ડિવિઝન પોલીસને સોંપવામાં
આવ્યા છે. આ કામગીરીમાં એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠી, પી.એસ.આઈ જે.બી. યાદવનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.
પંકજકુમાર કુશવાહ, હે.કો. સુરેન્દ્રસિંહ ઝાલા, રણજિતાસિંહ જાડેજા, શક્તિસિંહ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા, કોન્સ. જયદેવસિંહ જાડેજા જોડાયા
હતા.