ગાંધીધામ, તા. 22 : ગળપાદર નજીક માર્ગ ઓળંગતા કૃષ્ણકાંતસિંહ જયવીરસિંહ તોમર (ઉ.વ. 15)ને અજાણી ટ્રકે હડફેટમાં લેતાં આ કિશોરે સારવાર
દરમ્યાન દમ તોડયો હતો. બીજીબાજુ શહેરના સથવારા કોલોનીમાં વિશાલ જીતુ સથવારા (ઉ.વ. 22)ને વીજશોક ભરખી ગયો હતો. વરસામેડી શાંતિધામ-4માં રહેનાર કૃષ્ણકાંતસિંહને ગત તા. 20/9ના સાંજના અરસામાં અકસ્માત નડયો હતો. આ કિશોર
ગળપાદર નજીક મુંદરા-ગાંધીધામ ધોરીમાર્ગ અશોક લેયલેન્ડના શો-રૂમ પાસે પગપાળા જતા-જતા
માર્ગ ઓળંગી રહ્યો હતો તેવામાં પૂરપાટ આવતી ટ્રકે તેને ટક્કર મારતાં તે નીચે પટકાયો
હતો, જેમાં
તેને ગંભીર ઇજાઓ પહેંચી હતી. આ કિશોરને પ્રથમ રામબાગ પછી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
લઇ જવાતાં સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. અકસ્માત કરી નાસી જનાર ટ્રકચાલક
વિરુદ્ધ કિશોરના પિતા જયવીરસિંહ છતલસિંહ તોમરે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક બનાવ ગાંધીધામ
સેક્ટર-5 સથવારા કોલોનીમાં બન્યો હતો. અહીં પ્લોટ નંબર-57માં રહેનાર વિશાલ નામનો યુવાન ગઇકાલે સવારે
ઘરે હતો ત્યારે પાણી ચડાવવાની મોટરની સ્વીચ ચાલુ કરવા જતાં તેને વીજશોક લાગ્યો હતો, જેમાં તે ગંભીર ઘવાયો હતો.
તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.