ગાંધીધામ, તા. 22 : અંજારના વરસામેડીમાં તમારી પોલિસી બંધ થઇ જશે, તેવી બીક બતાવી ગઠિયાઓએ વેપારી
પાસેથી રૂા. 3,86,731 ધુતી લીધા હતા. વરસામેડી
બાગેશ્રી ટાઉનશિપમાં રહેતા અને ઓમનગર રોડ ઉપર વંશ સુપરમાર્કેટ નામની દુકાન ચલાવતા વેપારી
દિલાવર ચાપશી મહેશ્વરી આ બનાવનો ભોગ બન્યા હતા. ફરિયાદી પોતાની દુકાને હતા, ત્યારે અજાણ્યા નંબરથી ફોન
આવ્યો હતો, જેમાં પોતે રિદ્ધિ અગ્રવાલ પી.એન.બી. મેટ લાઇફ ઇન્સ્યોરન્સ
પ્રોસેસિંગ વિભાગમાંથી બોલતી હોવાનું કહ્યું હતું. ફરિયાદીની પોલિસીના નંબર જણાવી તે
બંધ થઇ ગઇ છે, પ્રોસેસ કરવાની હોય તો મેનેજર સાથે વાત કરવી પડશે.
ફરિયાદીએ વિચારવાનું કહેતાં થોડા દિવસ બાદ બેંકના ધીરજ શ્રીવાસ્તવ બનીને ઠગે ફોન કર્યો
હતો. પોતે મેનેજર હોવાનું કહી અમુક રકમ ભરશો, તો પોલિસી ચાલુ
થઇ જશે અને રકમ સારી મળશે જે તમારા ખાતામાં જમા થઇ જશે, તેના
માટે આધાર, પાનકાર્ડ, બેંક ખાતા નંબર વગેરે
મોકલી આપવા કહેતાં ફરિયાદીએ તેવું કર્યું હતું અને ઠગબાજે કહ્યું ત્યાં જુદા-જુદા ટ્રાન્ઝેક્શન
થકી રૂા. 3,86,731 જમા કરાવી દીધા હતા તેમ છતાં આરોપીઓ વધુ રકમની માંગ કરતાં પોતે છેતરાઇ ગયા હોવાનું બહાર આવતાં તેમણે સાયબર હેલ્પલાઇન નંબર 1930માં ફોન કરી ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.