• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

અમદાવાદની યુનિક મર્કન્ટાઈલ સામે 1.14 કરોડની ઠગાઈ મામલે ફોજદારી

ભુજ, તા. 1 : વિવિધ સ્કીમો હેઠળ લોકોને ઊંચા વ્યાજ તથા વિદેશ પ્રવાસની લાલચ આપી કુલ રૂા. 1,14,79,624ની છેતરપીંડી કરવાના મામલે અમદાવાદની યુનિક મર્કન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ કંપની તથા યુનિક સ્વયં મલ્ટિ સ્ટેટ મલ્ટિ પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી તથા બંને કંપનીના સંચાલન હેઠળની ન્યુયો સ્ટાર એન્ટરપ્રાઈઝ લિમિટેડના કુલ પાંચ ઠગબાજો સામે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કંપનીએ કચ્છમાં અંદાજે 30થી 35 કરોડ ચાઉં કર્યા હોવાનો ઘટસ્ફોટ કરતો ખાસ અહેવાલ કચ્છમિત્રએ પ્રગટ કર્યો હતો, જે પછી ભુજ, ગાંધીધામ અને અંજારમાં પણ ફરિયાદ થઈ હતી. આ સાથે આ ચોથી ફરિયાદ દાખલ કરાવાઈ છે. પોલીસે આપેલી વિગતો મુજબ, આરોપીઓ કંપનીના ચેરમેન-ડાયરેક્ટર-એમડી રાજકુમાર કૈલાસ રાય, ડાયરેક્ટરો રાહુલ રાજકુમાર રાય, ઉત્કર્ષ રાજકુમાર રાય, ઉષા રાજકુમાર રાય તથા મેનેજર હસમુખ ડોડિયા વિરુદ્ધ ફરિયાદી ભારતીબેન હેમંતભાઈ શાહે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, વર્ષ 2014માં તેમના પરિચિત એવા રાજુભાઈ ઠક્કર કે જેઓ પોતે પણ આ કંપનીના ટીમ લીડર છે તેમણે કંપનીની  ફિક્સ ડિપોઝિટ, એમઆઈએસ અને આરડી જેવી સ્કીમોમાં નાણાં રોકવા અને એજન્ટ બનાવવા જણાવ્યું હતું, જે પેટે સારું કમિશન તથા વિદેશ પ્રવાસની તક મળશે તેમ કહ્યું હતું. આથી ફરિયાદીને વિશ્વાસ આવતાં ભુજ ખાતે શાંતિ ચેમ્બર્સમાં આવેલી કંપનીની ઓફિસમાં કામ કરતા મેનેજર જિગર તન્ના પાસે પોતે તથા તેમના પરિચિતો મળી કુલ 117 જણા પાસેથી વિવિધ રકમ મળી કુલ રૂા. 1,14,79,624નું રોકાણ કરાવ્યું હતું. અલબત્ત, જૂજ લોકોને અમુક રકમ પરત પણ મળી હતી. લાંબા સમય સુધી રોકાણ કર્યા બાદ પાકતી મુદ્દતે નાણાં પરત ન મળતાં ફરિયાદીએ અનેક વખત રજૂઆતો કર્યા બાદ અંતે થાકી-હારીને આ મામલે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભુજ, માંડવી, અંજાર, ગાંધીધામ સહિત ઘણા તાલુકાઓમાં આ કંપનીએ પોતાની ઓફિસો કાર્યરત કરી હતી પણ બાદમાં બંધ કરી નખાઇ હતી. જાણવા મળતી વિગતો મુજબ કંપનીના સંચાલકોએ લોકો પાસેથી મેળવેલા નાણાંનું અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં લગડી જેવી જમીનો ખરીદીને રોકાણ કર્યું હોવાના પણ આક્ષેપો ઊઠયા છે. નોંધનીય છે કે, રાજ્યવ્યાપી થયેલા બી-ઝેડ કૌભાંડની યાદ અપાવનારી આ ઘટનામાં અગાઉ કંપની વિરુદ્ધ જામનગરના અવધ એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિયેશનના હોદ્દેદારોએ નોટિસ ફટકારી હતી, તો રાજકોટ ખાતે પણ લાખોની ઠગાઈ મામલે ગુનો દાખલ કરાવાયો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd