અરવિંદ નાથાણી દ્વારા : ભુજ, તા. 1 : ગુરુ ગવરીગરે ઘણા સમય પહેલાં
વાત કરી હતી કે, અંજાર - ગાંધીધામ હાઈવેથી
અંદર આવેલા માલારા મહાદેવનું એક પ્રાચીન શિવાલય જંગલ વિસ્તારમાં આવેલું છે. ત્યાં એકવાર
દર્શને જવા જેવું છે. આ વાત ને ધ્યાને લઈને સવારે અમે બંન્ને સાથે વંદનભાઈ અગારા અને
માધવી અગારા એ જગ્યાએ જવા નીકળ્યા. અંજાર હાઈવે પકડીને આગળ વઘ્યા. આમેય પવિત્ર શ્રાવણ
માસની શરૂઆત થઈ ગઈ હોવાથી કચ્છનાં તમામ શિવાલયો શ્રદ્ધાળુઓની વિશેષ હાજરી શ્રદ્ધા અને
ભક્તિનો મહિમા ગાતા નજરે પડતા હતા. શ્રાવણી
માહોલમાં ગોરંભાયેલાં આકાશનાં વાદળો પણ દગો દઈને આગળ વધી જતાં હોવાથી અધૂરા વરસાદથી
ત્રસ્ત આ વિસ્તારનો માહોલ મનને સતત વિચલિત કરતો હતો. ભુજ - અંજાર વચ્ચે ક્યાંક ક્યાંક
ઝરમરિયા વરસાદે રોડ થોડા ભીના થયા હતા, પણ આગળ ફક્ત આળંગ હતો.
અંજારથી આદિપુરવાળા રસ્તે ન જતા ગળપાદર રોડ ઉપરથી ગાંધીધામ જવાના માર્ગે આગળ વધ્યા.
વચ્ચે ભરેશ્વર મહાદેવનું મંદિર પસાર કર્યા બાદ થોડી જ વારે આગળ ડાબી બાજુએ માલારા મહાદેવ
મંદિર તરફ જવાનું બોર્ડ આવતાં એ એકમાર્ગિય રોડ ઉપર ગાડી આગળ વધવા લાગી, હવે શહેરના કોલાહલ અને ટ્રાફિકને પાછળ મૂકતા એક શાંત પ્રકૃતિમય વનરાઈ શરૂ થઈ
ગઈ હતી. સતત બે ડાબા પછી છેલ્લે જમણા વળાંકથી આગળ ભવ્ય પરિસરની અંદર માલારા મહાદેવનું
શિવાલય નજરે પડયું. ઘંટારવનો અવાજ અને શાંતિમય લીલાછમ કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું
મંદિર એક અનોખી ઊર્જા પ્રદાન કરતું હતું. શ્રાવણનો પુનિત માસ અને દર્શનાર્થીઓના સમૂહ
સાથે મંદિરનાં ગર્ભગૃહમાંથી આવતો રૂદ્રાભિષેકના શ્લોકોના અવાજે આખુંય વાતાવરણ શિવમય
થયેલું જણાતું હતું. સતત પાંચ પેઢીથી સેવાપૂજા કરનારા મંદિરના હાલના મહંત ચેતનગિરિ
કિશોરગિરિ ગોસ્વામીએ આગળ કહ્યું કે, વર્ષ 2001ના કારમા ભૂકંપમાં આ મંદિર
ધ્વંસ્ત થઈ ગયેલું, પણ શિવલિંગને
કોઈ નુકસાન થયું નહોતું અને થોડા સમય પછી ગાંધીધામના મોહન ધારશી, આશિષ જોશી, મહેશ જોશી, રાજેન્દ્ર
અગ્રવાલ, દિગ્વિજયાસિંહ ગોહિલ, શરદ શેટ્ટી,
અને લવજી મસુરિયા (સોરઠિયા) જેવા દાતાઓના સહકારથી મંદિરનો 2013માં પુનરોદ્ધાર કરી ભવ્ય મંદિર
બાંધવામાં આવ્યું. મંદિરનાં પરિસરમાં શિવ પરિવાર,
રામદેવપીર, ક્ષેત્રપાળ દાદા અને કાલ ભૈરવજીનાં
મંદિરો આવેલાં છે. ઉપરાંત ચબૂતરો અને ભોજનાલયનો સમાવેશ થાય છે. એકસાથે અનેક ભોજન પ્રસાદ
લઈ શકે, તેવો ડોમ પણ દાતાઓના સહકારથી બાંધવામાં આવેલો છે. મંદિરનો
પાટોત્સવ દર વર્ષની મહાશિવરાત્રિએ યોજવામાં આવે છે. તે સમયે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ
હોમહવન, રૂદ્રાભિષેક અને પ્રસાદનો લાભ લે છે. અહીં ફક્ત અમાસના
દિવસે જ પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવે છે. આખાય શ્રાવણ માસમાં દિવસ -રાત દરમિયાન
થતો રૂદ્રાભિષેક શાંત પ્રકૃતિમય વાતાવરણમાં એક અનોખો માહોલ રચે છે. ભુજથી આ શિવાલય અંદાજે પ5, અંજાર શહેરથી આઠ અને આદિપુર
- ગાંધીધામથી છ કિલોમીટર જેટલાં અંતરે આવેલું છે. અંજાર - ગળપાદર રોડ ઉપરથી બે કિલોમીટર
અંદરના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ શિવાલય શ્રાવણી માહોલમાં મહાદેવની ગાથા ગાતું
ભવ્ય બાંધણીથી શોભિત શ્રદ્ધા અને ભક્તિની સરવાણી ગાતું ઊભું છે.