• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

દેશનાં શ્રમબજારમાં ગુજરાતનો ડંકો : સુરત શિરમોર

હૃષીકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 1 : દેશના આર્થિક વિકાસના ગ્રોથ એન્જિન ગણાતા 10 લાખથી વધુ વસ્તી ધરાવતા મહાનગરો પર કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રથમ વિશેષ `પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) 2025'ના અહેવાલમાં ગુજરાતે બાજી મારી લીધી છે. દેશના મુખ્ય 46 શહેરની સરખામણીએ ગુજરાતના ચાર મહાનગર રોજગાર સુરક્ષા અને ઉદ્યોગ સાહસિકતામાં દેશ માટે રોલ મોડલ સાબિત થયા છે. સમગ્ર દેશમાં સુરત 66.7 ટકા સાથે સૌથી વધુ રોજગારીની તકો આપતું શહેર બન્યું છે. જ્યારે રાજકોટમાં દેશના સૌથી વધુ 50.4 ટકા લોકો પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે, જે દર્શાવે છે કે, નાના શહેરોની સરખામણીએ મહાનગરો રોજગારનું અસલી કેન્દ્ર છે. મહિલાઓ નિયમિત નોકરી મેળવવામાં પુરુષો કરતાં મોખરે છે. જ્યારે, લાંબા કામના કલાકો અને "NEET' યુવાનો નવો પડકાર સમાન છે. નિયમિત પગારદાર નોકરીઓનું 58.5 ટકાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધારે છે. આ શહેરોમાં શ્રમિકો અઠવાડિયામાં સરેરાશ 49.5 કલાકનો આકરો પરિશ્રમ કરે છે અને તેમની માસિક સરેરાશ આવક પણ વધુ છે. જો કે, શિક્ષણ કે નોકરીથી વંચિત "NEET' યુવાનો અને મહિલાઓની સામાજિક સુરક્ષા હજુ પણ ચિંતાનો વિષય છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં 46 શહેરના ડેટા વિશ્લેષણ પરથી સ્પષ્ટ થયું છે કે, જોબ માર્કેટ હવે મેટ્રો શહેરો તરફ વળ્યું છે. આ સર્વેક્ષણમાં ગુજરાતના સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરાએ સાબિત કર્યું છે કે, કેમ અહીં દેશમાં સૌથી ઓછી બેરોજગારી છે. શ્રમિકોની સામાજિક -આર્થિક સ્થિતિ અને શહેરોના અર્થતંત્રને લગતા કેટલાક વધુ ચોંકાવનારા આંકડા જોઈએ, તો મોટા શહેરોમાં લોકો ખૂબ લાંબો સમય કામ કરે છે, પરંતુ સ્ત્રી અને પુરૂષોનાં કામના કલાકોમાં મોટો તફાવત છે. મહાનગરોમાં પુરુષો અઠવાડિયામાં સરેરાશ 51.6 કલાક કામ કરે છે. તેની સામે મહિલાઓ અઠવાડિયામાં સરેરાશ 44.5 કલાક સત્તાવાર આર્થિક પ્રવૃત્તિઓમાં વિતાવે છે. સમગ્ર શહેરી ભારતના સરેરાશ 47.1 કલાકની સરખામણીએ મોટા શહેરોના લોકો (49.5 કલાક) અઠવાડિયામાં લગભગ 2.5 કલાક વધુ કામ કરે છે, જે દર્શાવે છે કે, મહાનગરોનું જીવન વધુ વ્યસ્ત છે. નિયમિત નોકરી કરતા કર્મચારીઓ માટે `પેઇડ લીવ' (પગાર સાથેની રજા) એક મોટો આશરો હોય છે. આ રિપોર્ટ અનુસાર, 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં 50.4 ટકા નિયમિત કર્મચારીઓ એવા છે, જેમને કોઈ પેઇડ લીવ મળતી નથી એટલે કે જો તેઓ બીમાર પડે કે રજા લે, તો તેમનો પગાર કપાઈ જાય છે. માત્ર 49.6 ટકા કર્મચારીઓને જ સત્તાવાર રીતે પગાર સાથેની રજાઓનો લાભ મળે છે. ત્રણ મોટા શહેરમાં આશરે 4.2 ટકા શ્રમિકો એવા છે, જેઓ કોઈ ચોક્કસ સ્થળ વગર (No Fixed Location) કામ કરે છે. આમાં ડિલિવરી પાર્ટનર્સ, ઓનલાઇન પ્લેટફોર્મ એપ આધારિત ગીગ વર્કર્સ (Gig Workers) અને ફ્રીલાન્સર્સનો સમાવેશ થાય છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે, મોટા શહેરોમાં હવે ટેક્નોલોજી આધારિત અસ્થાયી, પરંતુ ત્વરિત રોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે.  એવી જ રીતે, 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની સંખ્યા 19.7 ટકા જેટલી છે. જ્યારે, 15થી 59 વર્ષની કાર્યકારી વસ્તી 68.5 ટકા જેટલી છે અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોની સંખ્યા 11.8 ટકા છે. આ આંકડો સાબિત કરે છે કે, ભારતના આ 46 મહાનગર પાસે `ડેમોગ્રાફિક ડિવિડન્ડ' (યુવા વસ્તીનો લાભ) ખૂબ મોટો છે, જે આગામી દાયકાઓમાં દેશના વિકાસને વધુ ગતિ આપી શકે છે.

Panchang

dd