નવી દિલ્હી, તા. 1 : સિંધુ જળસંધિ
પર ભારતના કડક વલણ બાદ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પરથી પાણી માટે કરગરી રહ્યું છે.
પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે કિર્ગિસ્તાનમાં ચાલી રહેલી એસસીઓ શિખર પરિષદના મંચ
પરથી પણ આ મુદ્દો ઉઠાવી પાણીને `પ્રદેશની
જીવાદોરી' ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે પાણીને કયારેય
પણ હથિયાર તરીકે ઉપયોગમાં લેવું જોઇએ નહીં. શરીફે `એક્સ'
પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમણે એસસીઓ પરિષદમાં
સિંધુ જળ સંધિનો મુદ્દો ઊઠાવ્યો હતો. દરેક તબક્કે આતંકવાદને સાથ આપનારી પાકિસ્તાની
સરકારની બોલી એસસીઓના મંચ પર અચાનક બદલી ગઇ હતી. શાહબાઝ શરીફે કહ્યું હતું કે,
પાણી આ ક્ષેત્ર માટે જીવનરેખા છે અને તેનો કયારેય પણ હથિયાર કે દબાણ
બનાવવા અથવા રાજકીય લાભ ઉઠાવવા માટે ઉપયોગ થવો જોઇએ નહીં. પાકિસ્તાની વડાપ્રધાને જણાવ્યું
હતું કે સહિયારા જળસંસાધનોથી જોડાયેલી સમજૂતીઓ અંતરરાષ્ટ્રીય સ્તર પર બાધ્યકારી પ્રતિબદ્ધતાઓ
છે, જેનું કોઇ પણ શરત વિના પાલન થવું જોઇએ.