• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

માંડવીમાં નવા રસ્તામાં સર્ફેસનાં કામે પોલ ખોલી

માંડવી, તા. 1 : બંદરીય શહેરમાં સંખ્યાબંધ રસ્તાઓમાં નવીનીકરણ, મરંમત વગેરે કામોસર હયાત રસ્તાઓની સપાટીનું ખોદકામ થયા પછી લાંબા સમયથી સર્ફેસની `ખોલ' નહીં ચડાવવાને પરિણામે પારાવર હાલાકી સર્જાઈ હોવાનો બળાપો આક્રોશ સાથે ઊંચા અવાજે સંભળાઈ રહ્યો છે. વિખ્યાત ક્રાંતિતીર્થ, પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિર, એજન્સી બંગલો, હાજી હસન હોસ્પિટલવાળો આ રોડ ત્રાસદાયક બની ગયો હોવાની રાડ છે. આ માર્ગે ધારાસભ્યની સંપર્ક કચેરી સુદ્ધાં હોવાથી મહત્ત્વના માર્ગનું નવીનીકરણ કયારે પરિપૂર્ણ થશે તેવો અણિયારો સવાલ કરાયો હતો. ભુજ રોડથી મસ્કા ઓકટ્રોયથી સમગ્ર હાજી હસન રોડ ઉપર લગભગ અઢી ડઝન ગટર ચેમ્બરો માથું ઊંચું કરીને અકસ્માતને આમંત્રણ આપી રહી છે તેવો આરોપ છે. ગૌવંશના પલાણો હવે સામાન્ય થયા છે. ટાઢક વળે તો વિકાસનાં ફળ મીઠાં લાગે. વિકાસ વાટ જોવડાવે અને રડાવે, વલોપાતની વેદના અનુભવાય ત્યારે હેતુ વગોવાય તે સ્વાભાવિક છે. અત્યારે શ્રાવણ મહિનાનું આખરી ચરણ છે. દરિયાકિનારે આવેલાં પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે શહેર, પંથક, તાલુકામાંથી નહીં પરંતુ કચ્છભરમાંથી ભાવિકો વધુ આવતા રહે છે. વધારામાં સમુદ્ર કિનારો હોવાથી સહેલાણીઓ પણ વિન્ડફાર્મ બીચની ભીડ કરતાં આ તરફ વધારે હળવાશ અનુભવે છે. દેશ-વિદેશમાં જેનો મહિમા છે એવા પં. શ્યામજી કૃષ્ણવર્માનું સ્મૃતિ સ્થળ ક્રાંતિતીર્થ, યાત્રાધામ ધ્રબુડી તીર્થ, રાવળપીર, રાજ્ય સરકારનું રેસ્ટ હાઉસ, એજન્સી બંગલો, બી.એસ.એફ. કેમ્પ, મોટા સલાયા, હાજી મખ્દુમશા પીરની દરગાહ શરીફ વગેરેને આ મહત્ત્વનો માર્ગ જોડી રહ્યો છે. વધારામાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની સંપર્ક કચેરીવાળું કોમ્પ્લેક્સ પણ આ રસ્તા ઉપર આવેલું છે. આ રોડ ઉપર લગભગ 25-30 ગટરની ચેમ્બરો ટેકરાની જેમ માથું ઊંચું કરી વાહનચાલકો, રાહદારીઓની સલામતી સામે પડકાર ખડો કરી રહી હોવાનો બળાપો પૂર્વનગરપતિ રસિકભાઈ દોશી અને એમના વર્તુળે ઠાલવતાં માગણી કરી હતી કે, રસ્તાની સપાટી-સર્ફેસનું લેવલિંગ જાળવીને સમગ્ર માર્ગનું ત્વરિત, ટકાઉ નવીનીકરણ થાય તેવી લોકલાગણી અને માગણી છે. જાગૃત નાગરિકોએ શહેરના આવા અધૂરાં કામવાળા અને સપાટીએ ખોદાયેલા તમામ રસ્તાઓને નવા વાઘા વેળાસર પહેરાવવાની માંગમાં કહ્યું હતું કે, કોણ જાણે કેમ ખોદકામમાં તંત્રને વહેલું શૂરાતન ચડયા પછી લાંબો વિરામ કેમ લેવાય છે. ચોમાસું જામે તો આ વિષય શિરદર્દ બની જશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd