ગાંધીધામ, તા. 1: શહેરનાં 9 બી.ડી. વિસ્તારમાં રહેનાર અનિલ ગીરધરલાલ
વરનદાની (ઉ.વ. 30) નામનો યુવાન ઘરેથી નીકળી ગયા
બાદ આજે સવારે શિણાયના તળાવમાંથી તેની લાશ મળી આવી હતી. બીજી બાજુ ભચાઉ નજીક આગળ જતાં
વાહનમાં પાછળથી ટ્રેઈલર ભટકાતા ટ્રેઈલર ચાલક દેવીસિંહ સ્વરૂપસિંહ રાજપુત (ઉ.વ. 42)નું મોત થયું હતું. ગાંધીધામની હોટેલ એમ્પાયર નજીક વોર્ડ 9 બી.ડી. વિસ્તારમાં રહેનાર અનિલ નામનો યુવાન
ગત તા. 30/8નાં સવારે ઘરેથી નીકળી ગયો
હતો બાદમાં તેનો પતો ન મળતા પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. દરમ્યાન આજે સવારે શિણાય
નજીક તેની તરતી લાશ મળી આવતા શોધખોળનો અંત આવ્યો હતો. આ અંગે પોલીસે વિગતો આપતાં જણાવ્યું
હતું કે, આ યુવાન ઘરેથી કોઈઁને કાંઈ કહ્યા વગર નીકળી
ગયો હતો. બાદમાં આજે સવારે તેની લાશ મળી આવી હતી. તેણે આપઘાત કર્યો હશે કે અકસ્માતે
પાણીમાં પડી ગયો હશે કે અન્ય કાંઈ છે તેની વધુ તપાસ આદિપુર પોલીસે હાથ ધરી છે. બીજો
બનાવ ભચાઉ ઓવર બ્રિજ ઉપર ગત તા. 20/8નાં બન્યો હતો. ટ્રેઈલર નંબર એચ.આર. 45 સી. 9640નો ચાલક દેવીસિંહ પોતાનું વાહન
અજમેરથી મુંદરા પોર્ટ બાજુ લાવી રહ્યો હતો. તે ભચાઉમાં પહોંચ્યો હતો દરમ્યાન આગળ જતાં
વાહનમાં પાછળથી તેનું વાહન અથડાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેને વધુ સારવાર
અર્થે રાજસ્થાન લઈ જવાતા રસ્તામાં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે ઈશ્વરસિંહ
સ્વરૂપસિંહ રાજપુતએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.