• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામમાં જૂની કોર્ટનું બિલ્ડિંગ અસામાજિક તત્ત્વોનો અડ્ડો

ગાંધીધામ, તા. 1 : શહેરની મધ્યમાં આવેલી જૂની કોર્ટની જર્જરિત ઇમારત અસામાજિક તત્ત્વોનો અડ્ડો બન્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ બિલ્ડિંગમાંથી અસામાજિક તત્ત્વો સ્કૂલના વીડિયો તેમજ ફોટો લેતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સંબંધિત વિભાગો આ જર્જરિત ઇમારત બાબતે પગલાં ભરે તેવી માંગ ઊઠી છે. શહેરની મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં જર્જરિત બિલ્ડિંગો છે અને ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે. મહાનગરપાલિકાએ અમુક બિલ્ડિંગો તોડાવ્યાં છે અને જે ખતરારૂપ ઇમારતો છે તે બાબતે હજુ સુધી પગલાં ભરાતાં નથી. કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં મુખ્ય બજારની જર્જરિત ઈમારતો તોડી પાડવાના મામલામાં કોઈ નિર્ણય લેવાય તેવી માંગ ઊઠી છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં જર્જરિત અને ખંડેર અવસ્થામાં રહેલી ઇમારતો જે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની છે તે બાબતે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે. શહેરનું જૂની કોર્ટ બિલ્ડિંગ સાવ જર્જરિત અવસ્થામાં છે, ગમે ત્યારે પડે તેમ છે. હાલના સમયે આ ઈમારત અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની છે. આ ઇમારતમાંથી અસામાજિક તત્ત્વો પાછળની બાજુએ આવેલી સ્કૂલના ફોટા અને વીડિયો ઉતારતા હોવાના ગંભીર આક્ષેપો છે. અહીં અભ્યાસ કરતી બાળકીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બાળકીઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે. વર્ષો પહેલાં અહીં કોર્ટ કાર્યરત હતી ને ત્યાર પછી અલગ-અલગ ઓફિસો તેમાં કાર્યરત થઈ હતી. ઇમારત જર્જરિત થતાં ઓફિસો અહીંથી સ્થળાંતરિત થઈ છે. હાલના સમયે આ જર્જરિત ઇમારત અસામાજિક તત્ત્વોનું આશ્રયસ્થાન બની હોવાથી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે વહીવટી તંત્ર પગલાં ભરે તેવી માંગ ઊઠી છે.

Panchang

dd