• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

આદિપુરમાં પાઉંભાજીના નામે 2.30 લાખની સાયબર છેતરપિંડી

ગાંધીધામ, તા. 1 : આદિપુરના નગરપાલિકા કોમ્પ્લેક્ષમાં મોબાઈલ તથા મની ટ્રાન્સફરનું કામ કરતી દુકાન ચલાવતા વેપારી સાથે રૂા. 2,29,994ની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે જાણીતી પાઉંભાજી દુકાનના માલિક બનીને ચાલાકીપૂર્વક આ આખા છેતરપિંડીના બનાવને અંજામ આવ્યો હતો. આદિપુર વોર્ડ-2 બીમાં રહી નગરપાલિકા કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર 19માં ગુરુકૃપા મોબાઈલ નામની દુકાન ચલાવી તથા મની ટ્રાન્સફરનું કામ કરનાર મનદીપસિંહ દલજીતસિંહ લાલવાની સાથે આ બનાવ બન્યો હતો. આ વેપારી યુવાન ગત તા. 29/8ના બપોરે પોતાની દુકાને જઈ રહ્યો હતો ત્યારે તેને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને સામા છેડેથી પોતાની ઓળખ રાજ પાઉંભાજીવાળા હિતેશ તરીકેની આપી હતી. ફોન કરનારા આ શખ્સે રૂા. 2.30 લાખનું મની ટ્રાન્સફર કરવાનું કહેતા વેપારી ફરિયાદીએ ફોન પર મની ટ્રાન્સફર કરવાની ના પાડી દુકાને આવવાનું જણાવ્યું હતું. ત્યારે ઠગબાજે તે તેના છોકરાને પૈસા આપીને દુકાને મોકલે છે તેમ કહ્યું હતું. બાદમાં રાજ પાઉંભાજીવાળો દેવ ધનવાણીના નામનો યુવાન ફરિયાદીની દુકાને આવ્યો હતો અને તેનો ફોન ફરિયાદીને આપી વાત કરવા કહ્યું હતું. જેથી ફરિયાદીએ વાત કરતા બપોરે ફોન કરનારો ઠગજ સામે છેડે હતો. તેણે ગુજરાતી (ભાષામાં) મની ટ્રાન્સફર કરવાનું કહી પેમેન્ટ આ છોકરો આપશે તેમ કહ્યું હતું. દરમ્યાન ફોન ચાલુ રાખી ફરિયાદીએ આ ઠગના કહેવા પ્રમાણે જુદા-જુદા ટ્રાન્ઝેકશનથી રૂા. 2,29,994 જુદા-જુદા બેંક ખાતામાં મોકલી આપ્યા હતા. મની ટ્રાન્સફર બાદ ફરિયાદીએ દુકાનમાં ઉભેલા દેવ ધનવાણી પાસેથી મની ટ્રાન્સફર ચાર્જ પેટેના રૂપિયા માગતા તેણે જણાવ્યું હતું કે, આ ફોન કરનારાએ પોતાની દુકાન નં. 150 પાઉંભાજી અને 150 પુલાવનો ઓર્ડર આપ્યો છે. તેનું રૂા. 20,000નું ચુકવણી તમે કરવાના છો તે હું લેવા આવ્યો છું તેવું કહેતા ફરિયાદી પર આભ તૂટી પડયું હતું. બાદમાં દેવના પિતા અહીં આવતા તેમણ પણ કોઈ મનીટ્રાન્સફર ન કરાવ્યું હોવાનું સ્પષ્ટ કરતા પોઝતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ ઠગબાજે ફરિયાદી તથા પાઉંભાજીવાળાને અંધારામાં રાખીને આયોજનબદ્ધ રીતે રૂપિયા પડાવી લઈ છેતરપિંડી આચરી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Panchang

dd