ભુજ, તા. 1 : કન્ફેડ્રેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી
(સીઆઈઆઈ) દ્વારા દિલ્હીમાં આયોજિત સ્પોર્ટસકોમ ઇવેન્ટમાં નીતિનભાઈ લિખિત સ્પોર્ટ્સ
અને બિઝનેસના અનુભવો પર આધારિત `સ્પોર્ટસ
રિટેઈલ' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તક
સ્પોર્ટસકોમના પ્રમુખ જલજ દાની, ઉપપ્રમુખ વિવેક સિંઘ,
મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેર્સ એન્ડ સ્પોર્ટસન જોઈન્ટ સેક્રેટરી સંજિત સિંઘ
તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેની નોંધ દેશના ખેલ જગતમાં લેવાઈ રહી છે. નીતિનભાઈની પુસ્તક લખવા અને સ્પોર્ટસન
વ્યવસાયની સફળ કહાની આ પુસ્તક જેવી જ રસપ્રદ છે.
બાળપણમાં તમારું ક્રિકેટ બેટ તૂટી જાય, ત્યારે મોટે ભાગે
એ રમતનો અંત આવી જતો હોય છે. પણ મૂળ કચ્છના પણ મુંબઈ રહેતા નીતિન શાહના કિસ્સામાં એ
તૂટેલા બેટે સફળ સ્પોર્ટસ રિટેઈલર બનાવી દીધા છે, તેમને ખેલકૂદમાં
નામ કાઢવાની ઈચ્છા હતી અને ગલી ક્રિકેટમાં રમવા માટે મિત્ર પાસેથી બેટ ઉછીનું લીધું,
પણ ત્રીજા જ દિવસે એ બેટ ભાંગી ગયું અને આ સાથે બીજું બેટ ન મેળવી શકવાની
મર્યાદાથી ઔપચારિક તાલીમ સાથે સપનું પણ ભાંગ્યું. કોલેજ પત્યા બાદ પિતા સાથે તેઓ પારિવારિક
રિટેઈલ વ્યવસાયમાં જોડાયા હોવાથી રિટેઈલનો અનુભવ અને સ્પોર્ટસ પ્રત્યેનો લગાવ બંને
એક અલગ મુકામ પર પહોંચ્યા જે આજે તેમના પુસ્તક સ્વરૂપે રજૂ થયા છે. અનેક સ્કૂલ-કોલેજમાં
પોતાના સ્પોર્ટસ વ્યવસાયની સફળગાથા કહીને વર્ષ 1979માં સિંગાપોરની મુલાકાત દરમિયાન
વિદેશી રિટેઈલ માર્કેટ જોયા પછી 90ના દશકમાં
ભારતમાં એક છત નીચે રમતગમતનાં સાધનો, સ્પોર્ટર્સવેર, ફિટનેસ સાધનો અને હેલ્થ સપ્લિમેન્ટ્સ
મળે તેવો વિશાળ સ્ટોર ખોલવાનું સ્વપ્ન જોયું. આજે રમતગમતના ભારતભરમાં 23 સ્ટોર્સ ઉપલબ્ધ છે જે દેશની
પ્રથમ આધુનિક સ્પોર્ટસ રિટેઇલ ચેઈન તરીકે અગ્રેસર બની છે. જીમથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
અને ઇન્સ્ટિટ્યુશનલ સેલ્સ સુધીનો તેનો વ્યાપ વધ્યો છે. વર્ષ 2030 સુધીના ખેલજગત હવાલા વચ્ચે
યુવાઓમાં ખેલદિલીનો જોમ વધે તે માટે તેઓ દ્વારા લિખિત સ્પોર્ટસ રિટેઈલ પુસ્તક પ્રેરણા
પૂરી પાડશે એવું કાર્યક્રમમાં જણાવાયું હતું.