વિશ્વભરમાં આર્થિક વ્યવસ્થા માટેના તમામ નકારાત્મક પરિમાણો વચ્ચે ભારતીય અર્થતંત્રે અપેક્ષાથી વધુ સારો દેખાવ કર્યો છે. પશ્ચિમી એશિયામાં અશાંત પરિસ્થિતિ અને તેના લીધે ક્રૂડતેલના ભાવોમાં ભારે દબાણ તથા વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં કોઈ પણ દેશના આર્થિક વિકાસ સામે જોખમ ઊભું થઈ શકે એવા માહોલમાં ભારતીય અર્થતંત્રે પોતાની મજબૂતી બતાવી આપી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં ભારતનો વિકાસ દર 7.8 ટકા રહ્યોઁ છે. વિપરીત સંજોગોમાં આ ઉત્સાહજનક વિકાસ દર હાંસલ કરીને ભારતે પોતાની આંતરિક તાકાતનો પરચો દેશ અને દુનિયાને કરાવી આપ્યો છે. આમ તો ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ આ સમયગાળા દરમ્યાન સાત ટકાના વિકાસ દરનું અનુમાન બાંધ્યું હતું, પણ સામે આવેલા વાસ્તવિક આંકડામાં વિકાસ દર અનુમાન કરતા વધુ રહ્યો છે. વિકાસ દરની આ સફળતાએ બતાવી આપ્યું છે કે, બહારી પડકારો છતાં ભારતીય અર્થતંત્રની આંતરિક મજબૂતી વધી છે. ખાસ તો વિકાસ દરે પ્રતીતિ કરાવી આપી છે કે, ઘર આંગણાની માંગ નબળી પડી નથી. દેશમાં આર્થિક સેવાઓ, માહિતી ટેક્નોલોજી, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓના બે આંકડાના વિકાસ દરે દેશની આર્થિક તાકાતને વધારી છે. જો કે, જીડીપીના આ ઉત્સાહજનક વધારાથી એવું નથી કે, સામાન્ય નાગરિકોની આર્થિક સ્થિતિ આ વિકાસના પ્રમાણમાં સુધરી છે. ખેરખર તો રોજગારની તકો, ગ્રામીણ માંગ, નાના વેપારની હાલત અને પરિવારોની ખર્ચ શક્તિ જેવી બાબતો અર્થતંત્રના સ્વાસ્થ્યના માપદંડ પણ હોય છે. જીડીપીની ગણતરી માટે વર્ષ 2022-23ની સ્થિતિને નવો આધાર બનાવાયો હતો. આમ તો અર્થતંત્રના બદલાતા જતા સ્વરૂપને જોતાં આ પગલું યોગ્ય રહ્યંy છે. હાલના સમયમાં ડિજિટલ વેપાર, ઓનલાઈન સેવાઓ, નવી ટેક્નોલોજી, વપરાશના બદલાતા સ્વરૂપ અને રોજગારના નવા ક્ષેત્રો હવે અર્થતંત્રના ચાવીરૂપ ક્ષેત્ર બની રહ્યા છે. સૌ કોઈ જાણે છે કે, ભારતના વિકાસમાં સૌથી મોટો અંતરાય ઈંધણની આયાતોનો રહ્યો છે. ઊર્જાની જરૂરતો પૂરી કરવા માટે થતી આ ખર્ચાળ અને મસમોટી આયાતો પરિવહન અને ઉત્પાદનના ખર્ચને વધારી મૂકે છે. ઈંધણની કિંમતોના દબાણને લીધે વસ્તુઓ અને સેવાઓ મોંઘી બની જાય છે. મોંઘવારી વધતાં બજારમાં ખરીદી પર અસર પડે છે જે સરવાળે માંગ અને કંપનીઓના નફા પર નકારાત્મક અસર ખડી કરે છે. આવા પડકારભર્યા સંજોગોમાં ભારતીય અર્થતંત્રના પ્રથમ ત્રિમાસિક વિકાસને આવનારા સમયગાળા માટે જાળવી રાખવાનું ખરા અર્થમાં પડકારભર્યું થઈ શકે તેમ છે. સરકારે માળખાકીય સુવિધાઓ પર ખર્ચને વધારવાની સાથોસાથ ખાનગી રોકાણને વધારવા પર સતત ધ્યાન અપવું પડશે. આની સાથોસાથ રોજગારીની તકો વધારવા, ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા, નાના અને મધ્યમ વેપારીઓને મદદરૂપ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા પર સરકારે નક્કર પગલાં લેવાના રહેશે. ખેરખર તો 7.8 ટકાના વિકાસ દરને મોટી સફળતા ગણીને સંતુષ્ઠ થવાને બદલે તેને જાળવી રાખવાના પડકારને પહોંચી વળવા ખાસ કમર કસવી પડશે. બહારી પરિબળો હવે પડકારભાર્યા બની રહેશે એ બાબતને ધ્યાનમાં રાખીને આર્થિક વિકાસ માટે ઘરઆંગણાના નિર્ણાયક કારકો પર સરકારે સતત સાબદા રહેવાની હવે ખરી જરૂરત છે. સાથોસાથ વિકાસને ટકાઉ બનાવવા અને સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે માટે સરકાર હવે વધુ ધ્યાન આપશે તો તે દેશ અને દેશના નાગરિકો માટે ખરી ઉપલબ્ધી બની રહેશે