• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

`નુક્કડ' ગ્રુપ; ચાર દાયકાથી જન્માષ્ટમીની અનોખી ઉજવણી

દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 1 : આપણી ધર્મ - પરંપરા - સંસ્કૃતિઓને જાળવવાની વાતો ઘણી થાય છે, પણ ખાસ કરીને શહેરોમાં એ જાળવવાનો પડકાર દેખાય છે, ત્યારે મુંદરામાં ચાર દાયકાથી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી અને ત્રણ દિવસ સુધી ઉજવણીની અનોખી પરંપરા છે, જેની ખાસિયત એ છે કે, લગભગ 80ના દાયકાની મધ્યમાં જ્યારે  દૂરદર્શનની લોકપ્રિય ટીવી શ્રેણી  `નુક્કડ' બહુ પ્રચલિત હતી, ત્યારે એ સિરિયલ પરથી પ્રેરણા લઈને આ આયોજક ગ્રુપનું નામ `નુક્કડ' રાખવામાં આવ્યું હતું અને આજે એ જ નામ સાથે આ ગ્રુપના યુવાનો જન્માષ્ટમી ઊજવે છે, ને આ ત્રીજી પેઢી દ્વારા ઉજવણીથી આપણી સાંસ્કૃતિક પરંપરાઓની જાળવણી થઈ રહી છે.

આખો દિવસ ગોકુળિયું બને છે ગામ

આઠમના દિવસે માત્ર મટકી ફોડ અને કૃષ્ણ જન્મોત્સવ જ નહીં, પણ ત્રણ દિવસ આગોતરી જ ઉજવણી શરૂ થઈ જાય છે, જેમાં  ડાયરા, ભજન, શોભાયાત્રા તેમજ મટકીફોડ ઈનામ સ્પર્ધા, શણગાર સ્પર્ધા સહિત વિવિધ કાર્યક્રમો યોજાય છે અને મુંદરા ગોકુળિયું બની જાય છે. આ ઉજવણીમાં સામેલ થવા કોઈ નાત, જાત, ધર્મના ભેદભાવ વગર હકડેઠઠ ભીડ ઊમટી પડે છે. ઘણા એવા પરિવાર છે કે, જ્યાં દાદા આ આયોજનમાં જોડાતા આજે તેમના પોત્રા સેવાકાર્ય કરે છે, પણ ગ્રુપનું નામ એ જ છે `નુક્કડ'. જેની ખાસિયત છે કે કોઈ હોદ્દેદાર નથી. આયોજકો કહે છે કે, મુંદરા નગરમાં ઔદ્યોગીકીરણ બાદ હવે તો ઉજવણીનું બજેટ પણ અનેક ગણું વધી ગયું છે અને ઠાઠમાઠથી કનૈયાનો જન્મોત્સવ થાય છેજેને માણવા મુંદરા સાથે કચ્છભરમાંથી પણ  ઘણા ભાવિકો ઊમટી પડે છે. જન્માષ્ટમી પ્રસંગે કેટલીક યાદગાર વાતો મુંદરાના જૂના વડીલો પાસેથી જાણવા મળીજે અહીં મૂકી છે. આ ગ્રુપનું આ વર્ષે ઉજવણીનું  સતત 40મું વર્ષ છે. પરંપરા મુજબ આ વખતે પણ ત્રણ દિવસ કાર્યક્રમ છે. નુક્કડ ગ્રુપના યુવાનો  રાત દિવસ જોયા વગર તન-મન -ધનથી પ્રયત્નશીલ રહે છે, મુંદરાના દાતાઓ દિલથી આર્થિક સહયોગ આપે છે. અઠવાડિયા પહેલાંથી જ મુંદરા કૃષ્ણમય બની જાય છે. રસ્તા પર જુદી જુદી કમાનો ઉપર બેનર બાંધવામાં આવે છે.

86'મા સ્વાધ્યાય પરિવારથી શરૂઆત

ગ્રુપનો ઇતિહાસ જોવામાં આવે, તો કાર્યક્રમો 1986થી થાય છે.  એથી પહેલાં 1973-74ના વર્ષથી સ્વાધ્યાય પરિવાર તરફથી મટકીફોડ રથયાત્રાનો કાર્યક્રમ વલમજી ભગતની ભજન મંડળી દ્વારા કરવામાં આવતો, તે વખતે સુરેશ ઠક્કર (શુભમ ગ્રુપ), ચુનીલાલ ગણાત્રા, દિલીપ જેસર, રમેશ ભટ્ટ વિ. યુવાનો ગામના મુખ્ય સ્થળે મટકી બાંધી જાતે જ સુશોભન કરતા. રથયાત્રાની શરૂઆત દરિયાસ્થાનથી થતી. એ પછી 1980-81ના ગાળામાં યુવક મંડળના નેજા હેઠળ મટકીફોડ કરવામાં આવી, એ સમયે તત્કાલીન યુવક મંડળ પ્રમુખ અશ્વિનભાઈ ઝિંઝુવાડિયા (વરિષ્ઠ પત્રકાર)ની રાહબરીમાં નાસિંહ ભગવાનનાં મંદિરેથી રથયાત્રા કાઢવામાં આવતી. આગલા દિવસથી જ મંડળના યુવા કાર્યકરો સ્વ. અશ્વિન ધારક, સ્વ. દિલીપ દેસાઈ, સ્વ. રાજેશ સ્વાલી, સ્વ. શૈલેષ પંડયા, સ્વ. દીપક ઠક્કર, ભૂપેન દેસાઈ, જયેશ ઠક્કર, શૈલેષ કાનાણી, કિશોર કોકા, કિશોર સોની, હેમેન્દ્ર કોકા, અતુલ રાજા, કેતન દવે, વિશ્વેશ બજરિયા, શશી નાંઢા, પલ્લવ મહેતા, ડાયાલાલ આહીર, ધર્મેન્દ્ર જેસર, સ્વ. જીતુ ભટ્ટ, ઉમેશ ગણાત્રા, કિરણ જોશીરમેશ ભટ્ટ, સુરેશ ધલ વિગેરે જહેમત ઉઠાવતા. કાર્યકરોને પ્રોત્સાહિત કરવા શશીભાઈ કંદોઈ, દિનેશ સ્વાલી તરફથી રાત્રે નાસ્તો આપવામાં આવતો.

ગ્રુપમાં કોઈ હોદ્દેદાર નહીં !

યુવક મંડળનાં વિસર્જન બાદ આ જ મંડળના યુવા કાર્યકરોએ ટીવી શ્રેણીની પ્રેરણાથી `નુક્કડ' ગ્રુપનાં નામથી નવું ગ્રુપ ઊભું કર્યું, પણ સાથે પરંપરાઓ જાળવી.  આ ગ્રુપની વિશેષતા એ છે કે, તેમાં કોઈ હોદ્દેદારો નથી. 1986ની સાલથી આ ગ્રુપ શાનદાર રીતે જન્માષ્ટમીની ઉજવણી કરે છે. શોભાયાત્રામાં કૃષ્ણલીલાની ઝાંખી કરાવતાં દૃશ્યો રાખવામાં આવતાં, જે જીતુભાઈ પઢિયાર બનાવતા. ભાટિયા ચકલાથી પારેખ શેરી સુધીનો વિસ્તાર શણગારવામાં આવતો. શરૂઆતમાં કાર્યકરો વાવટા હાથે બનાવતા. અતુલભાઇ રાજાનાં કારખાનાનાં  પ્રાંગણમાં  રાત જાગી કામ કરતા.  વિશ્વેસ બજરિયા, કિરણ જોષી, શૈલેષ પંડયા હાથે ઇલેક્ટ્રિક ડેકોરેશન કરતા. વર્તમાનમાં કાંઠાવાળા નાકાથી બારોઈવાળા નાકા સુધી ગામને શણગારવામાં આવે છે. રાત્રે 12ના ટકોરે `નંદ ઘેર આનંદ ભયો'નો નાદ ગુંજવાની એ પરંપરા આજેય યથાવત છે. શરૂઆતમાં આઠમનો જ તહેવાર ઊજવાતો, હવે નગરજનોનો સહકાર મળતાં આ કાર્યક્રમ બે -ત્રણ દિવસ અગાઉથી ઊજવવાનું શરૂ થઇ જાય છે, જેમાં ડાયરો, ભજનની સંતવાણી, કચ્છી વાદ્ય, સંગીતનાં કાર્યક્રમો કચ્છી નાટકહાસ્યના પ્રોગ્રામ ઊજવાય છે, જેમાં ધર્મેન્દ્રભાઈ જેસરની રાહબરી હોય છે.

Panchang

dd