• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

સુપ્રીમે તમામ છાત્રો પર એફઆઇઆર રદ કરી

નવી દિલ્હી, તા. 1 : સુપ્રીમ કોર્ટે મંગળવારે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નાં આંદોલન વખતે પ્રદર્શનકારી છાત્રો પર કરાયેલી તમામ એફઆઇઆર રદ કરી નાખી હતી. અદાલતે આ ફેંસલો લેવા માટે બંધારણની કલમ 142 હેઠળ મળેલી વિશેષ શક્તિનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ, આજે આ મહત્ત્વના મામલે સુનાવણી થઇ એ પહેલાં જ સીજેપીએ પાંચ સપ્ટેમ્બરની રેલી પાછી ખેંચવાનું એલાન કર્યું હતું. કોકરોચ જનતા પાર્ટીના પ્રવકતા સૌરવ દાસે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જણાવ્યું હતું કેછાત્ર શકિતની ઐતિહાસિક જીત થઇ છે. પાંચમી સપ્ટેમ્બરનાં દિલ્હીમાં યોજાનારી રેલી રદ કરવાની ઘોષણા કરતાં દાસે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે તમામ માગણી પૂરી કરવાનું આશ્વાસન આપી દીધું છે. સુનાવણી દરમ્યાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, છાત્રોમાં પ્રદર્શન બાદ સીજેપી નેતાઓને આપેલાં ત્રણેય વચનો પૂરાં કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.નીટ પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કરનાર છાત્રો પર થયેલી 13 એફઆઇઆર રદ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી હતી. જો કે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના ડેટાબેઝ મુજબ, દિલ્હીમાં અપરાધી રેકર્ડવાળા 2873 વ્યક્તિ વિરુદ્ધ કેસ જારી રહેશે. કોકરોચ જનતા પાર્ટી પ્રવકતા સૌરવ દાસે સુપ્રીમ કોર્ટના આદેશને ઐતિહાસિક લેખાવતાં તમામ ન્યાયમૂર્તિનો ધન્યવાદ માન્યો હતો અને કહ્યું હતું કે, અમે પાંચ સપ્ટેમ્બરના પ્રસ્થાવિત રેલી પાછી ખેંચી રહ્યા છીએ. દરમ્યાન સોલીસિટર જનરલ તુષાર મહેતાએ મૃતક છાત્રોના પરિવારોને વળતર પર કોઇ આદેશ નહીં આપવા અદાલતને અપીલ કરી હતી. મહેતાએ કહ્યું હતું કે, કોર્ટનો કોઇપણ આદેશ ભવિષ્યની દરેક પ્રકારની પરીક્ષાઓ માટે ઉદાહરણ મનાશે. અદાલત છાત્રોને સરકારે આપેલાં વચનને રેકર્ડ પર લે અને ત્રણ મહિનાનો સમય આપો. સરકાર ફોર્મ્યુલા તૈયાર કરી રહી છે અને જલ્દી નીટ પરીક્ષા દરમ્યાન આત્મહત્યા કરનાર છાત્રોના પરિવારોને વળતર અપાશે. અદાલતે આ અનુરોધ સ્વીકારી લીધો હતો.

Panchang

dd