ગાંધીધામ, તા. 18 : ભચાઉના આધેડને એપ્લિકેશનનું
સબક્રિપ્શન બંધ કરાવવાનું કહી ઠગ શખ્સે તેમના ખાતામાંથી બારોબાર રૂા. 78,995 ઉપાડી લીધા હતા. ભચાઉના રામવાડી
વિસ્તારમાં રહેનાર જીતેન્દ્રકુમાર દિનેશચંદ્ર ઓઝા ગત તા. 20/5ના પોતાના ઘરે હતા ત્યારે મોબાઇલમાં
રહેલી કૂકૂ એફ.એમ. એપ્લિકેશનનું સબક્રિપ્શન બંધ કરાવવા ગૂગલમાં જઇ હેલ્પલાઇન નંબર મેળવી
તેના પર ફોન કર્યો હતો. સામા છેડાના ઠગ શખ્સે સબક્રિપ્શન બંધ કરાવવા ફોન ચાલુ રાખવા, ફોન-પે ચાલુ કરવા તથા ઓ.ટી.પી. આપવા કહેતાં
ફરિયાદીએ તેમ કર્યું હતું. ઠગ શખ્સે થોડીવારમાં સબક્રિપ્શન બંધ થઇ જશે તેવું કહ્યું
હતું. ફરિયાદીએ થોડીવાર બાદ તપાસ કરતાં તે બંધ ન થતાં ફરીથી તે નંબર ઉપર ફોન કર્યો
હતો, પરંતુ તે ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. દરમ્યાન, આધેડે ફોન પે તપાસ કરતાં ત્રણ ટ્રાન્ઝેક્શન થકી તેમના રૂા. 78,995 બારોબાર ઉપાડી લેવાનું ધ્યાને
આવ્યું હતું. પોલીસે બનાવ અંગે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.