• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

દબાણ ફરી ન જ થાય એવો કાયમી ઉપાય કરો

ફૂટપાથ રાહદારીઓને ચાલવા માટે છે અને એને અવરોધતાં દબાણ તંત્રએ વેળાસર દૂર કરવાં એવા સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ભુજ શહેરમાં શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશને વ્યાપક આવકાર મળ્યો છે. પાંચ નાકાં ને છઠ્ઠીબારીમાં સમાયેલું ભુજ 2001ના ધરતીકંપ પછી ચોફેર વિકસ્યું, રિંગરોડ બન્યા, પરંતુ વિકાસ સુરેખને બદલે આડેધડ થયો. વાહનોની સંખ્યા બેફામ વધી, પાર્કિંગ માટેની જોગવાઇ હોવા છતાં તેના પાલન માટે કોઇ દરકાર ન થઇ. પરિણામે રસ્તાની બંને તરફ વાહનોની કતાર લાગતી ગઇ અને શહેરના દરેક ધમધમતા વિસ્તારમાં હાથલારીઓ ને કેબિનોના ખડકલા થતાં શહેર સાંકડું થતું ચાલ્યું. પરિસ્થિતિ વણસતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કચ્છનું પાટનગર ભુજ હોય કે બીજાં ગામ-શહેર દબાણ-અતિક્રમણનું દૂષણ વ્યાપક છે અને નિરંકુશ છે. દબાણ માત્ર નાના ધંધાર્થીઓનું જ નથી હોતું, અનેક વિસ્તારમાં વગદાર લોકો સબ ભૂમિ ગોપાલ કી માનીને પાકાં ચણતર કરી નાખે છે. દબાણ સામે મંત્રીઓ-તંત્રની કડક ચેતવણી સમયાંતરે આવતી રહી છે. એ પછી દબાણો દૂર થાય ને થોડા દિવસમાં પરિસ્થિતિ જૈસે થે... એક વિસ્તારમાંથી ઝુંબેશ બીજા તમામ વિસ્તારો સુધી પહોંચવી જોઇએ, તેને બદલે વગદારોની ભલામણ કે યુક્તિ-પ્રયુક્તિને લીધે ઓચિંતી અટકી ગયાના અનેક દાખલા ભૂતકાળમાં નોંધાયા છે. આની પાછળ રાજકીય પીઠબળ અને હપ્તાબાજી જવાબદાર હોય છે. ભુજમાં અત્યાર સુધી કોઇ ફૂટપાથ ચાલવા માટે ઉપલબ્ધ નહોતી. આજે પણ મહાદેવ નાકાં બહાર હમીરસર કાંઠે લારી-ગલ્લાવાળાઓનો કબજો છે. સુધરાઇના અવિચારી શાસકોએ વિચાર્યા વગર લોખંડની બેન્ચો ગોઠવીને હમીરસરની સુંદરતાને ગ્રહણ લગાડી દીધું છે. એ દૂર કરીને આખો વિસ્તાર પ્રવાસીઓ ખુશ થાય એવો મોકળાશભર્યો બનાવવાની જરૂર છે. નગરજનો ઇચ્છે છે કે, શહેરની આવી તમામ જગાઓ દબાણમુક્ત થાય. ભુજ તથા કચ્છના તમામ શહેરો, માધાપર જેવા મહાગામમાં પણ આવી ઝુંબેશ થવી જોઇએ. હટાવાયેલાં દબાણો ફરી નહીં ગોઠવાય એવી જિલ્લા કલેક્ટરની ધરપત આવકાર્ય છે. શત્રક્રિયામાં સડાને દૂર કર્યા પછી એ રોગ ફરી ન થાય એની તકેદારી સૌએ રાખવી પડશે. જાહેર સ્થળોને ખુલ્લા કરવાની તંત્રની જરૂરી કાર્યવાહીને લીધે અનેક પરિવારોની રોજીરોટીને અસર થઇ હશે એ પણ સત્ય હકીકત છે. તંત્રએ અને જનપ્રતિનિધિઓએ દરમ્યાનગીરી કરીને ફેરિયા-લારી-ગલ્લાવાળા ભાઇઓ માટે ધંધાની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઇએ. ખાણી-પીણી આજે ધીકતો ધંધો છે. કેટલાક સ્પષ્ટ વિચાર ધરાવતા નગરજનો કહે છે કે, ભુજમાં હોસ્પિટલ રોડ, મંગલમ્ સર્કલ, જ્યુબિલી વિસ્તાર, ભાનુશાલી નગર, આઇયાનગર, બસ સ્ટેશન, છઠ્ઠીબારી, મહેરઅલી ચોક જેવા કેટલાય ભાગોમાં વડાપાંઉ, પાણીપૂરી, દાબેલી, ભજિયાના લોકપ્રિય વિક્રેતાઓ બે પાંદડે થઇ ગયા છે. કેટલાકે તો લાખો કે કરોડ સુધીનું મૂડીરોકાણ કરીને પાકી દુકાનો વિકસાવી છે. અહીં સુધી પહોંચવામાં તેમના-તેમના પરિવારની મહેનત ખરી, પણ બધું એક પણ રૂપિયો કર ભર્યા વગરનું. દબાણો દૂર કરવાની કડક કાર્યવાહીને લીધે આ ધંધાર્થી દોડધામમાં પડી ગયા છે. હવે શું ? ભવિષ્યમાં શું થશે એ વિશે અટકળો થઇ રહી છે. વહીવટી તંત્ર દબાણ ફરી ન થવા દેવા માટે મક્કમ છે. આ ઝુંબેશનો કડકાઇપૂર્વક બીજા વિસ્તારોમાં અમલ થવો જરૂરી છે. સાથે શહેરમાં અમુક પોઇન્ટ વિકસાવીને ત્યાં સ્વચ્છતા-ખોરાકની શુદ્ધતાના કડક નિયમો સાથે ખાણી-પીણીના ધંધાર્થીઓને ગોઠવી શકાય. દબાણ ભલે દૂષણ છે, પરંતુ તંત્ર દ્વારા લાંબા સમયથી વેન્ડિંગ ઝોન ન બનાવવાના કારણે જ આ અવ્યવસ્થા પેદા થઇ છે. લારી-ગલ્લા પર સેંકડો પરિવાર નભતા હોય છે. લોકોની જરૂરિયાતે માફકસર દરે સચવાતી હોય છે. અલબત્ત, દબાણકારોને કદી છાવરી ન શકાય એ બિલકુલ સ્પષ્ટ છે. વહીવટી તંત્ર સમાવેશી વિકાસ અને કાયદો-વ્યવસ્થાના નિયમોના પાલન માટે પ્રતિબદ્ધ રહેશે અને કચ્છના ભુજ સહિતનાં શહેરો હંમેશ માટે દબાણમુક્ત બનશે એવી અપેક્ષા અસ્થાને નથી.

Panchang

dd