• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

મીઠી રોહરની કંપની પાસેથી બાયોમાસ પેલેટ મગાવી છેતરપિંડી

ગાંધીધામ, તા. 28 : અહીંના મીઠીરોહર સ્થિત એક કંપની પાસેથી રૂા. 5,88,000ના બાયોમાસ પેલેટ ખરીદી બાદમાં તેના નીકળતા રૂા. ન ચૂકવતાં એક શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મીઠીરોહર જીઆઇડીસીમાં કયારા બાયોફયુલ્સ એલએલપી નામની કંપની ધરાવતા હાર્દિક અશોક હાલાણીએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની કંપની બાયોમાસ પેલેટનું ઉત્પાદન કરે છે. લાકડાંના ભૂસાંમાંથી બનતી આ વસ્તુ અન્ય કંપનીઓમાં બળતણ તરીકે વપરાય છે. ગત તા. 11-7ના ફરિયાદી પોતાની ઓફિસે હતા ત્યારે તેમની કંપનીમાં કામ કરતા એમ.પી. નાયરને એક્ટિવ એન્ટરપ્રાઇઝ રાજકોટના ભાગીદાર કૌશિક પટેલનો ફોન આવ્યો હતો અને તેણે મોટી માત્રામાં બાયોમાસ પેલેટ ખરીદવાની ઇચ્છા દર્શાવી હતી તથા માલ મળતાં  જ રોકડામાં તરત જ ચૂકવણું કરી આપવાનો વિશ્વાસ તેણે ફરિયાદીને આપ્યો હતો.  ફરિયાદીએ આ શખ્સને 40 ટન 6 એમએમ બાયોમાસ પેલેટ ગાડી નંબર જી.જે. -12-બીએક્સ -5305 થકી મોકલાવ્યા હતા. માલ પહોંચ્યા બાદ ફરિયાદીએ રૂપિયાની માંગ કરતાં પોતાના કાકાનું અવસાન થયાનું બહાનું બતાવી થોડા દિવસ પછી રૂપિયા આપવાનું કહ્યું હતું, બાદમાં વારંવાર વાયદા કર્યા હતા. ફરિયાદીએ તપાસ કરાવતાં તેની ઓફિસ પણ બંધ જણાઇ હતી. આરોપીએ એ.જે. એન્ટરપ્રાઇઝ સંજયસિંહ એમ. મીણાની સહીવાળો ચેક પણ આપ્યો હતો, જે ચેક પરત થયો હતો. વધુ તપાસ કરાવતાં આ શખ્સનું નામ કૌશિક પટેલ નહીં પણ સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલા હોવાનું અને તેની સામે જામનગરમાં છેતરપિંડીનો કેસ થતાં તે જેલમાં હોવાનું બહાર આવ્યું હતું. ગાંધીધામ પોલીસે છેતરપિંડી અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd