ગાંધીધામ, તા. 28 : અંજારના સાપેડા ગામમાં બાઈકને
પૂરપાટ જતી કારે હડફેટમાં લેતાં ગામના શંભુ કરશન ડાંગર (ઉ.વ. 44)નું મોત થયું હતું તથા તેમના
દીકરાને ઈજાઓ પહોંચી હતી. સાપેડા ગામમાં રહેનાર ફરિયાદી સુનીલ ડાંગર તથા તેના પિતા
શંભુ ડાંગરને ગત તા. 26/8ના અકસ્માત
નડયો હતો. આ બંને બાઈક નંબર જી.જે.-39 -કે -7768 લઈને ગામની
શ્રીરામ હોટેલમાં કામથી ગયા હતા. ત્યાં કામ પતાવી બંને પરત ઘર બાજુ જઈ રહ્યા હતા ત્યારે
બાયપાસ રોડ પર બાઈક ચડાવતા હતા. અંજાર બાજુથી આવતી કાર નંબર જી.જે. -12- ડીએમ-3437એ આ બાઈકને હડફેટમાં લીધી હતી, જેમાં શંભુ ડાંગરને ગંભીર ઈજાઓ થતાં ગાંધીધામની
હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમણે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ
અંગે અંજાર પોલીસે ગુનો નેંધી આગળની તપાસ હાથ ધરી છે.