નવી દિલ્હી, તા. 28 : સંસદનું સત્ર
બોલાવવાની સંભાવનાઓનો સંકેત આપીને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષની બેચેની
વધારી છે. રિજિજુએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓને મહિલા અનામત કાયદો જલ્દી લાગુ કરવાનું વચન આપ્યું છે અને સરકાર આ દિશામાં
કામ કરી રહી છે. જો કે, રિજિજુએ 2029થી મહિલા અનામત લાગુ કરવા અને
લોકસભા સીટમાં 50 ટકા વૃદ્ધિ માટે બંધારણ સુધારા
વિધેયક લાવવા તત્કાળ સત્ર બોલાવવા અંગે કોઈ સ્પષ્ટ ટિપ્પણી કરી નહોતી. તેમણે કહ્યું
હતું કે, ભૂતકાળમાં પણ કોઈ પણ સત્રાવસાન વિના સંસદને
ફરીથી બોલાવવામાં આવી છે. 13 ઓગસ્ટના સમાપ્ત થયેલા સત્રની સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. રિજિજુએ
કહ્યું હતું કે, પીએમ મોદી દેશની મહિલાને
સ્પષ્ટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ચૂક્યા છે અને સંસદ દ્વારા મહિલાઓને અપાયેલું વચન લાગુ
કરવામાં આવશે. એક અહેવાલ અનુસાર રિજિજુએ કહ્યું
હતું કે, .કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેએ પીએમ મોદીને એક
પત્ર લખ્યો હતો. તેમાં માંગ કરવામાં આવી હતી કે, કેન્દ્રીય મંત્રી
દ્વારા આપવામાં આવેલા સંસદના વિશેષ સત્ર બોલાવવાના સંકેતથી પહેલાં સીમાંકન માટે સરકારના
પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવા એક સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે.