ગાંધીધામ, તા. 28 : ભાવનગરના ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ
અને તાજેતરમાં જ આદિપુરમાં પકડાયેલી નકલી દારૂની ફેક્ટરીના ગંભીર બનાવ બાદ સમગ્ર જિલ્લામાં
સન્નાટો વ્યાપી ગયો હતો, ત્યાં જ દારૂ
માફિયાઓઁએ ગાંધીધામને અડ્ડો બનાવીને કાળો કારોબાર શરૂ કર્યો હોવાનો ધડાકો થતાં સમગ્ર
જિલ્લામાં ભારે ચકચાર પ્રસરી છે. પૂર્વ કચ્છ એલ.સી.બી.એ. અહીંથી 5026 જેટલા ખાલી કવાર્ટરિયા સાથે
અમુક શખ્સોને પકડી પાડયા હોવાનું બહાર આવ્યું છે. શહેરના એસ.ડી.એક્સ. નોર્થ મકાન નંબર-30માં એસ.કે. ગ્રુપ નામની અગરબત્તીની હોલસેલની
દુકાન ચલાવતા કિરીટ રામજી કોડરાણીએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી
ગત તા. 30/6ની આસપાસ પોતાની દુકાને હતા
ત્યારે તેમને ત્યાં યશ પ્લાસ્ટો પ્રિન્ટ, ફરિદાબાદ, જી.એસ.ટી નંબર સાથે તથા પ્રખર રોડલાઈન્સ ટ્રાન્સપોર્ટમાંથી
ચારેક પાર્સલ આવ્યા હતા. આ પાર્સલમાં જોતાં મરૂન રંગની પેટ બોટલો હોઈ જે માલ પોતે મગાવ્યો
ન હોવાથી આ માલ લઈ આવનાર મજૂરને પરત કર્યો હતો અને બિલની નકલ જોતાં યશ પ્લાસ્ટોના મોબાઈલ
નંબર જણાયા હતા. તેમાં સંપર્ક કરી અમારા નામે ખોટું બિલ મોકલાવેલ છે જે રદ કરી નાખવા
ફરિયાદીએ જણાવ્યું હતું અને કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતાં માલ મગાવનાર હીરા
રામા ભરવાડ (રહે. પલાસવા, તા. રાપર) હતો. ફરિયાદીએ આ માલ પરત
મોકલાવ્યા પછી ટ્રાન્સપોર્ટવાળાએ હીરા ભરવાડનો સંપર્ક કરતાં તેણે માલ લેવા માટે દેવેન
શંકરભા ગઢવી અને મહેશ દેવા ભરવાડને મોકલાવ્યા હતા. આ ત્રણેય શખ્સોએ દિલ્હીના કોઈ માણસ
પાસેથી અંગ્રેજી દારૂ બનાવવાના હેતુથી ખાલી બોટલો મગાવી હતી અને એલ.સી.બી.એ આ તમામ
બોટલો પકડી પાડી હતી. અને એ-ડિવિઝન પોલીસ મથકને સોંપાઈ હતી. આ ફરિયાદીની પેઢી તથા જી.એસ.ટી.
નંબરનો ખોટો ઉપયોગ કરી ખોટા બિલ બનાવનારા આ તમામ શખ્સો સામે અગરબત્તીના વેપારીએ ફરિયાદ
નોંધાવી હતી. આ શખ્સો પૈકી હીરા ભરવાડના કબજાનાં મકાનમાંથી ત્રણેક પાર્સલ અને એક પાર્સલ
ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી જપ્ત કરાયું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું. આ ત્રણેયને
ઝડપી લેવાયા હોવાનું પણ બહાર આવ્યું હતું. જો કે, તેને સત્તાવાર
સમર્થન મળ્યું નહોતું.
અગાઉ આવી રીતે કેટલો માલ મગાવાયો હશે તે પ્રશ્ન
ગાંધીધામના જાગૃત વેપારીએ આવેલો માલ પોતાનો ન હોવાનું જણાવી
પરત મોકલાવી દીધો હતો અને બાદમાં આ કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારે અન્ય વેપારીઓનાં
નામે, જી.એસ.ટી. નામે કેટલી વખત માલ મગાવાયો હશે અને
બારોબાર ટ્રાન્સપોર્ટ પેઢીમાંથી છોડાવી જવાયો હશે તે પ્રશ્ન બહાર આવ્યો છે. વાગડ પંથકની
વાંઢોમાં નકલી દારૂની ફેક્ટરીઓ હોવાની આશંકા કચ્છમાં નકલી દારૂ ભયંકર રીતે પગ કરી રહ્યો
છે. અગાઉ સતાપર બાદ આદિપુરમાં પણ નકલી દારૂની ફેક્ટરી ઝડપાઇ હતી અને હાલમાં દારૂના
ખાલી ક્વાર્ટરિયા મળી આવ્યા છે ત્યારે વાગડની અમુક વાંઢોમાં પણ નકલી દારૂ બનાવવાની
ફેક્ટરીઓ હોવાની આશંકા સૂત્રોએ વ્યક્ત કરી હતી. આ દિશામાં પણ સઘન તપાસ હાથ ધરાય તે
ઇચ્છનીય હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.