• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

સસ્તાં સોનાની લાલચ આપી વડોદરાના પિતા-પુત્ર સાથે 54.15 લાખની ઠગાઈ

ભુજ, તા. 28 : સોશિયલ મીડિયા પર સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાત બતાવી બજારભાવ કરતાં 25 ટકા સસ્તું  સોનું આપવાની લાલચ આપી વડોદરાના પિતા-પુત્ર પાસેથી 54,15,000 લાખ પડાવનારા છ ઈસમ સામે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, નવ ગ્રહોના નંગોનું છૂટક વેચાણ કરતા ફરિયાદી વડોદરાના અભયભાઈ પ્રસન્નાભાઈ પટવર્ધનને આરોપીઓ યુસુફખાન (સાચું નામ ઝાકીર ઉર્ફે જાકીરીયો મહમદહનીફ ઉર્ફે મીઠિયો સોઢા), હનીફભાઈ (સાચું નામ મહમદહનીફ ઉર્ફે મીઠિયો નૂરમામદ સોઢા), હાજીસાહેબ (સાચું નામ અલીમામદ નૂરમામદ સોઢા), રજાક (સાચું નામ અમીન મહમદહનીફ ઉર્ફે મીઠિયો સોઢા), ડીસોઝા (સાચું નામ અબ્દુલ ઉર્ફે અબ્દલ ખલીફા) અને સુનીલ પટેલ (સાચું નામ અબ્દુલ્લા ઉર્ફે અબ્દલ મીસરી જાની સુમરા)એ સસ્તા સોનું વેચવાની જાળમાં ફસાવી ટુકડે-ટુકડે રૂા. 54,15,000 પડાવ્યા હતા. 2-12-2025થી 28-8-2026 દરમિયાન બનેલી આ ઘટના અંગે નોંધાયેલી ફરિયાદમાં લખાવાયેલી વિગતો મુજબ, ફરિયાદીએ ઈન્સ્ટાગ્રામમાં સુનીલ પટેલ નામની આઈડી પર સસ્તા સોનાની જાહેરાત જોઈ હતી, જે પછી સુનીલ પટેલ તરીકે ઓળખ આપનારા આરોપીએ વોટ્સએપ પર વાતચીત કરી હતી અને ભુજ આવવા કહ્યું હતું. અભયભાઈ ભુજ આવતાં તેમને 100 ગ્રામનું બિસ્કિટ 8 લાખમાં આપશું તેવી આરોપીઓએ વાત કરી રૂપિયા લઈ લીધા હતા અને સોનું વડોદરા પહોંચી જશે તેમ જણાવ્યું હતું. બાદમાં સોનું ન મળતાં મુંદરા કસ્ટમમાં ફસાયું હોવાનું જણાવી વધુ રૂપિયા પડાવ્યા હતા. ઘણા દિવસો બાદ પણ સોનું ન મળતાં ફરિયાદીના પિતાએ આરોપીઓ સાથે ફોન પર વાત કરી હતી, ત્યારે દુબઈમાં સોનાનું નેટવર્ક ધરાવતા હનીફભાઈ અને હાજીસાહેબ માંડવી આવ્યા છે, તે તમને ફોન કરશે તેવું યુસુફખાને જણાવ્યું હતું. હનીફભાઈએ ફોન કરી બંને પિતા-પુત્રને માંડવી બોલાવ્યા હતા, જ્યાં રજાક નામનો ઈસમ તેમને હનીફભાઈ પાસે લઈ ગયો હતો. હનીફભાઈએ 10 કિલો સોનું લેવાની વાત કરી હતી, જે પેટે 11 લાખ આપવા જણાવ્યું હતું. જેથી બંને પરત વડોદરા જઈ મકાનની લોન લઈ 11 લાખ આપવા માંડવી આવ્યા ત્યારે પોલીસ અધિકારી ડીસોઝા સાથે ઓળખાણ કરાવી હતી, જે બાદમાં વડોદરા સોનું આપવા આવશે તેમ કહ્યું હતું. બાદમાં વડોદરા આવેલા ડીસોઝાએ સોનું જોઈએ તો વધુ 25 લાખ આપવા પડશે તેમ કહેતાં હનીફભાઈએ ઘરે જવા કહ્યું હતું. જે પછી તમે બુક કરાવેલું સોનું વેચાઈ ગયું છે અને દુબઈથી આવેલું સોનું મુંદરા ફસાયું છે તેમ જણાવી તે કઢાવવા કસ્ટમના અધિકારીઓ નાણાં માગે છે તેમ કહ્યું હતું અને ટુકડે-ટુકડે કુલ રૂા. 54,15,000 પડાવી લીધા હતા. બહાનાઓથી કંટાળેલા અભયભાઈએ આખરે આ મામલે  ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે આ છ આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપીઓને પકડવા સહિતના ચક્રો ગતિમાન કર્યા છે.

Panchang

dd