ભુજ, તા. 27 : ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટસ
એસો., ગોલબોલ સબ કમિટી તથા બ્લાઇન્ડ સ્પોર્ટસ એસો.
ઓફ ગુજરાતના સહયોગે નડિયાદ ખાતે તા. 21થી 23 ઓગસ્ટ દરમ્યાન
પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે બીજી યૂથ નેશનલ ગોલબોલ ચેમ્પિયનશિપ યોજાઇ હતી, જેમાં ગુજરાતના ભાઇઓએ ગોલ્ડમેડલ તેમજ બહેનોએ
બ્રોન્ઝ મેડલ જીતી સુંદર પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં દેશમાંથી ભાઇઓની 11 ટીમ જ્યારે બહેનોની 10 ટીમે ભાગ લીધો હતો. ભાઇઓએ ગોલ્ડ
મેડલ જીત્યો હતો. બીજી બાજુ બહેનોએ સેમિફાઇનલ સુધી પહોંચી બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજું
સ્થાન હાંસલ કર્યું હતું. નવચેતન અંધજન મંડળ માધાપર ખાતે 10 દિવસીય ગોલબોલ તાલીમ કેમ્પ
યોજાયો હતો, જેમાં નીરવભાઇ,
રસીલાબેનનાં માર્ગદર્શનમાં ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી રમતની ટેકનિક,
ટીમવર્ક અને વ્યૂહરચનાનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું. ગુજરાતની ટીમના
કોચ અને મેનેજર નીરવ ડાકે, મનીષાબેન સેંઘાણી, એલ. સી. સાહેબ તથા રિતેશભાઇએ જવાબદારી સંભાળી હતી, જેમાં
શંકર પ્રજાપતિ, વિષ્ણુદાસ દુધરેજિયા સાથે નૈમેષભાઇ પટેલે સેવા
આપી હતી. આયોજક સમિતિના સભ્ય હિમાંશુભાઇ સોમપુરાએ ટૂર્ના. દરમ્યાન ઉપસ્થિત રહી ખેલાડીઓનો
ઉત્સાહ વધાર્યો હતો. ગુજરાતની આ સિદ્ધિ બદલ નવચેતન અંધજન મંડળના પ્રમુખ વિનોદભાઇ ગડા,
જનરલ સેક્રેટરી લાલજીભાઇ પ્રજાપતિ, મંત્રી હિમાંશુભાઇ,
ખજાનચી ઝીણાભાઇ દબાસિયા, ચીફ કો.-ઓર્ડિ. દીપકપ્રસાદ,
સ્ટાફમિત્રો, કોચિંગ સ્ટાફ, આયોજક મંડળે વિજેતા રમતવીરોને બિરદાવ્યા હતા.