• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

નબળું સરકારી શિક્ષણ માળખું

સમાજ અને વ્યક્તિના વિકાસમાં શિક્ષણે પાયાની અનિવાર્યતા સાબિત કરી આપી છે, ત્યારે ભારત જેવા વિશાળ દેશમાં સરકારી શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તા સામે સતત ચિંતા વ્યક્ત થતી રહે છે. સમયની સાથે તાલ મિલાવે તેવાં માળખાં, શિક્ષકો અને પાઠયક્રમોની ઉણપની ચર્ચા થતી રહે છે, પણ છેક છેવાડાના દૃર્ગમ વિસ્તારોમાં શાળાકીય શિક્ષણ વ્યવસ્થામાં સરકારી માળખું સતત ઉણું ઉતરી રહ્યાના ચિત્રે ખરા અર્થમાં ચિંતા જગાવી છે. કોકરોચ જનતા પાર્ટીએ શાળાઓની હાલત અંગે હોબાળો શરૂ કર્યાની ઘટનાના ગુણદોષમાં ઉતર્યા વગર એટલું કહી શકાય કે સરકારી માળખાંમાં ખામીઓની ભરમાર સતત સામે આવતી રહી છે. આમ તો છેલ્લાં થોડાં વર્ષમાં બિનસરકારી સેવા સંસ્થાઓની શિક્ષણ સંસ્થાઓનો ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેનો અભિગમ વધી રહ્યો છે. તેની સાથોસાથ સરકાર દ્વારા પણ તેની શાળાઓને સુધારવા માટે સારા એવા પ્રમાણમાં આર્થિક ભંડોળની ફાળવણી પણ કરાઈ રહી છે, પણ ભારત જેવા વિશાળ દેશમાં આ ફંડ કે ખાનગી સંસ્થાઓની શિક્ષણ સંકુલો આભમાં થીગડાં મારવા જેટલા અપુરતા છે. સરકારે આટલું બધું ધ્યાન આપ્યું હોવા છતાં વક્રતા એ છે કે, આજે દેશમાં પોતાની યોગ્ય ઈમારત ન હોય એવી પ્રાથમિક શાળાઓની સંખ્યાનો તાગ મેળવવો અશક્ય જણાય છે. સતત સામે આવતું રહે છે કે, અસંખ્ય સરકારી વિદ્યાલય પાસે સલામત અને સુસજ્જ ઈમારતો નથી, પીવાનાં સ્વચ્છ પાણીની કે શૌચાલયોની વ્યવસ્થા નથી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, શાળાઓમાં શિક્ષકોની સતત અછત રહેતી આવી છે. એવી શાળાઓની સંખ્યા પણ વધુ છે, જ્યાં એકમાત્ર શિક્ષક ફરજ બજાવે છે. આવા સંજોગોમાં દેશના ભવિષ્યને કઈ રીતે શિક્ષિત કરી શકાય એ એક મોટો સવાલ છે. આમ તો અમુક કિસ્સા હકારાત્મક અને આશાસ્પદ પણ છે, જેમાં સરકારી શાળાઓએ ખાનગી શાળાઓને શિક્ષણ અને તેને સંલગ્ન માળખાંમાં ખાનગી શાળાઓને મહાત આપી હોય. ગુજરાત સહિતની અમુક રાજ્ય સરકારોએ મોડલ શાળાઓના કોન્સેપ્ટને હાથ ધર્યો છે. આને લીધે સરકારી શાળાઓ ખાનગી શાળાઓને મહાત કરવા સજ્જ બની રહી છે, પણ હજી ખાનગી શાળાઓની સ્પર્ધામાં સરકારી માળખું ઘણું પાછળ રહી જાય છે. સરકારી શાળાઓની નબળી હાલતને જોતાં વાલીઓને આર્થિક બોજા છતાં પોતાનાં બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ માટે મોકલવાની ફરજ પડી રહી છે.

Panchang

dd