લંડન, તા. 28 : ચિકિત્સા અને ટેક્નોલોજીના
ઈતિહાસમાં એક મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. લંડન સ્થિત હોસ્પિટલ ફોર ન્યૂરોલોજી
એન્ડ ન્યુરોસર્જરીના તબીબોએ એઆઈની મદદથી દુનિયાની સૌથી પહેલી સફળ બ્રેઇન ટ્યુમર સર્જરી
કરી હતી. આ અત્યાધુનિક સર્જરી મારફતે તબીબોએ એક 48 વર્ષના દરદીના મગજમાંથી ગાંઠ કાઢીને આંખો બચાવી લીધી હતી. સફળ
ઓપરેશન મે મહિનામાં કરવામાં આવ્યું હતું પણ દરદીની રિકવરી અને સુરક્ષાને ધ્યાને રાખીને
ઓપરેશનની જાણકારી હવે જાહેર કરવામાં આવી છે. દરદીનું નામ રીસ હિબર્ટ છે. જે બેડફોર્ડશાયરના
રહેવાસી છે. વર્ષ 2024માં 11 એમએમની ગાંઠની જાણકારી મળી
હતી. સમય સાથે તબિયત બગડતી રહી હતી અને પછી સર્જરીની નોબત આવી હતી. સર્જરી વિના આંખો
ગુમાવવી પડે તેવી આશંકા હતી. યૂસીએલમાં રોબોટિક્સ અને એઆઈના એસોસિએટ પ્રોફેસર તેમજ
પ્રોજેક્ટના ટેક્નીકલ હેડ ડો. સોફિયા બાનોએ કહ્યું હતું કે, એઆઈ સિસ્ટમને સેંકડો સર્જીકલ વીડિયો મારફતે
પ્રશિક્ષિત કરવામાં આવ્યું છે. એઆઈએ આ અનુભવમાંથી ઘણું શિખ્યું છે. સર્જરી યુનિવર્સિટી
કોલેજ લંડન હોસ્પિટલ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં કરવામાં આવી હતી. જો કે સર્જરીનું
પૃરું નિયંત્રણ તબીબોના હાથમાં જ રહ્યું હતું.