• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

રાપરના મુખ્યમાર્ગ પર દબાણથી સર્જાઇ ટ્રાફિકજામની સ્થિતિ

રાપર, તા. 28 : ફૂટપાથ અને રસ્તાઓ પર દબાણ જાણે કે સામાન્ય થઈ ગયું હોય તેમ રાપરમાં ઠેર ઠેર દબાણ થતાં રસ્તા સાંકડા બની ગયા છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પહેલ પ્રશંસનીય છે ત્યારે રાપરમાં પણ આવી દબાણ હટાવ ઝુંબેશ લોકો ઈચ્છી રહ્યા છે. આ અંગે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, બસ સ્ટેશનની બાજુમાં આવેલ પશુ દવાખાનું કે જે અન્યત્ર ખસેડાતાં એ જગ્યાએ સફાઈ કરી શાકમાર્કેટનાં થડા બનાવાશે. શાકભાજી વિક્રેતાઓને અહીં અને જકાતનાકા પાસે આવેલ શાકમાર્કેટમાં નાસ્તાવાળાઓને ખસેડવામાં આવશે. વિકાસવાડીની આગળ અત્યારે જ્યાં નાસ્તાની લારીઓ ઊભે છે ત્યાં પે એન્ડ પાર્કિંગ બનાવવામાં આવશે. તેમને દબાણ હટાવવાની કામગીરી અંગે પૂછતાં સોમવારે નવા મુખ્ય અધિકારી હાજર થયા બાદ તરત જ નગરપાલિકા, પોલીસ અને મામલતદાર કચેરી દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેમ પ્રમુખે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યારબાદ જે દુકાનની આગળ કોઈ લારી કે ફેરિયા-પાથરણાંવાળા દબાણ કરશે તો તે દુકાનમાલિક પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દબાણને લીધે માલીચોક લારી ચોકમાં ફેરવાઈ ગયો છે, તો રાપર આખામાં આડેધડ પાર્કિંગ, લારીઓ, ફેરિયાઓ અને દુકાનદારો દ્વારા છેક ફૂટપાથ અને અડધા રસ્તા સુધી માલ ગોઠવીને રસ્તાઓ અવરોધાતાં ટ્રાફિક સમસ્યા પ્રતિદિન વિકરાળ બની રહી છે. વાહનો અથડાવાના બનાવો અને તેનાથી ઝઘડા સામાન્ય થતા જાય છે. રાપરવાસીઓ પણ ભુજ નગરપાલિકા પાસેથી સ્થાનિક તંત્ર કાંઈ ધડો લે તેવું ઈચ્છી રહ્યા છે.

Panchang

dd