નખત્રાણા, તા. 28 : નખત્રાણા ધોરીમાર્ગ પર ઓવરલોડેડ
પેસેન્જર વાહનોની સતત અવરજવરને પગલે ટ્રાફિક સમસ્યા પરાકાષ્ટાએ હોવાની ફરિયાદ ઊઠી છે
તેમજ જાહેર માર્ગો પર કરાયેલાં દબાણ હટાવવા બાબતે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાય તેવી
માંગ ઊઠી હતી. આ ધોરીમાર્ગ ખેતી-પશુપાલન, ટ્રક ઉદ્યોગ તેમજ લખપત-અબડાસા તાલુકાના ઔદ્યોગિક એકમો, નારાયણ સરોવર, હાજીપીર વિગેરે યાત્રાધામને સાંકળે છે.
સતત ઓવરલોડ પેસેન્જર વાહનોની અવરજવરને કારણે ટ્રાફિક સમસ્યાને પગલે લોકોને મુશ્કેલીનો
સામનો કરવો પડી રહ્યો છે. નખત્રાણા બાયપાસની કામગીરી પ્રગતિમાં છે છતાં વહીવટી પ્રક્રિયામાં
અડચણોથી વિલંબમાં પડેલા બાયપાસ કામને કારણે ટ્રાફિક સમસ્યાનો અંત ક્યારે આવશે તેવા
પ્રશ્નો ઉઠયા હતા. જાહેર માર્ગો પર આડેધડ વાહન પાર્કિંગ તેમજ ધંધાદારીઓની લારીઓ ઉપરાંત
સરકારી જમીન પર કરાયેલાં દબાણ હટાવવા બાબતે ઉચ્ચ વિભાગમાંથી હાલ કોઇ સૂચના ન હોવાનું
અધિકારીઓ દ્વારા પ્રત્યુત્તરમાં જણાવાયું હોવાની નારાજગી વ્યક્ત કરતાં સત્વરે ઉકેલની
માંગ ઊઠી હતી.