• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

ખોટા દાવા બદલ પ્રતિવાદીને વળતરનો હુકમ

ભુજ, તા. 28 : પ્રતિવાદી વિરુદ્ધ ખોટા દાવા દાખલ કરી કાયદાકીય કાર્યવાહીમાં કોર્ટમાં ઢસળવામાં આવે તો કોર્ટ પ્રતિવાદીને વળતર અપાવી શકે છે. આ અંગે ભુજની સિવિલ કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ કેસની વિગતો મુજબ ફોટડીના નારાણ ધનજી ભુડિયાએ તેમની જમીનમાં રત્ના કાનજી હીરાણી તાથ લાખા ખેંગાર રબારી જમીન દબાણ કરવાના ઈરાદે ગેરકાયદેસર પ્રવેશ કરી રહ્યા છે તે અટકાવા માટે સિવિલ કોર્ટ ભુજ મધ્યે દાવો દાખલ કર્યો હતો. દાવા કામે પ્રતિવાદીઓએ તેમના એડવોકેટ ડી.એન. બારોટ મારફતે હાજર થઈ મજબૂત વાંધા નોંધાવી અને રજૂઆત કરી હતી. વાદીએ ખોટી રીતે દાવો દાખલ કરીને પ્રતિવાદીઓને કાયદાકીય કાર્યવાહીમાં ઢસળેલ છે તેથી કાયદાકીય કાર્યવાહીનો ખર્ચ વાદીએ પ્રતિવાદીઓને ચૂકવવો જોઈએ તેવી મજબૂત રજૂઆત કરી હતી. કોર્ટ દ્વારા રજૂઆત તેમજ રજૂ થયેલ પુરાવા તથા સાક્ષીઓની જુબાની ધ્યાને દાવો નામંજૂર કર્યો હતો અને ખોટો દાવો કરવા બદલ કાર્યવાહીનો ખર્ચ ચૂકવી આપવા ધાક બેસાડતો હુકમ કર્યો હતો. પ્રતિવાદીના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ ગઢવી, ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી, જયેશ કટુઆ, અંકિત ભાનુશાલી હાજર રહ્યા હતા.

હત્યાના પ્રયાસમાં આગોતરા નામંજૂર

ફરિયાદી નૂરમામદ ઈબ્રાહીમ અજડિયાએ એ-ડિવિઝન પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ ઘાતક હથિયારોથી હુમલો કરી હત્યાના પ્રયાસ અને સોનાની ચેઈન ખેંચી લેવા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપી સમેજા ઈદ્રીશ અબ્દુલ્લાએ આગોતરા જામીન અરજી કરતાં સેશન્સ કોર્ટે નામંજૂર કરતાં હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી જે પણ મંજૂર કરવામાં આવી નહીં. આ પ્રકરણમાં સરકાર પક્ષે ડી.જે. ઠક્કર, મૂળ ફરિયાદી પક્ષે ધારાશાત્રી વિપુલ ડી. કનૈયા, સઈદબીન એ. આરબ, રિયા એલ. વાલાણી હાજર રહ્યા હતા.

કારાઘોઘા જમીન વેચાણ કરારની અમલવારીનો દાવો નામંજૂર

મુંદરા તાલુકાના કારાઘોઘા ગામની 8 એકર 16 ગુંઠા તથા  છ એકર 18 ગુંઠા મળી કુલ્લ 14 એકર 35 ગુંઠા જમીનના વેચાણ કરારની અમલવારી બાબતે દાખલ દાવો પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જ્જ, મુંદરા દ્વારા નામંજૂર કરવામાં આવ્યો છે. આ કેસની વિગત મુજબ જુમા વીરાએ નવીનભાઇ પદમશી મારૂ સામે 2008માં રૂા. 55,03,750ના જમીન વેચાણ સાટાકરારના અમલ માટે દીવાની દાવો દાખલ કર્યો હતો. જૂના દાવા બાદ નવા સ્પે. દીવાની દાવા તરીકે કેસ ચાલ્યો હતો. બન્ને પક્ષોની રજૂઆતો અને પુરાવાઓના આધારે કોર્ટે દાવો નામંજૂર કર્યો હતો. પ્રતિવાદી તરફથી એડવોકેટ વિષ્ણુ એ. ગોહિલ, મહેન્દ્ર કે. ત્રિવેદી, રાજેન્દ્રસિંહ એમ. ઝાલા અને રવિરાજસિંહ એમ. ભાટી હાજર રહ્યા હતા.

મોબાઇલ સ્નેચિંગમાં નિર્દોષ

ફરિયાદીના હાથમાંથી મોબાઇલ ફોન અચાનક ઝૂંટવી નાસી જનારા રિયાઝ ઇબ્રાહીમ ભુકેરા અને આરીફ રજાક પઠાણ (રહે. બન્ને અંજાર) વિરુદ્ધ ભુજના બી-ડિવિઝન પોલીસ મથકે તા. 2-8-21ના ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ત્રીજા અધિક સેશન્સ જજ ભુજની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બન્નેને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ ફરમાવ્યો છે. આરોપી તરફે ભુજના વકીલ એફ.એ. સમેજા હાજર રહ્યા હતા.

ગાંજાના કેસમાં જામીન મંજૂર

આરોપી સુબત્રા ઉર્ફે સુબ્રતા અમલ બિશ્વાસ (મૂળ પશ્ચિમ બંગાળ હાલે ધ્રબ, તા. મુંદરા) સામે માદક પદાર્થ ગાંજાનો 817 ગ્રામ કિં.રૂા. 40,850નો જથ્થો ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખ્યા અંગે એન.ડી.પી.એસ. એકટ તળે મુંદરા  પોલીસ મથકે તા. 5-8-26ના ફરિયાદ નોંધાઇ હતી, જે બાબતે સેશન્સ અદાલત સમક્ષ જામીન અરજી કરી અદાલતે મંજૂર ફરમાવી આરોપીને જામીન મુક્ત કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ કુલદીપ જિતેન્દ્રભાઇ મહેતા હાજર રહ્યા હતા.

Panchang

dd