• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

માંડવીમાં નડતરરૂપ 30થી 40 દબાણકારોને નોટિસ પાઠવાઈ

માંડવી, તા. 28 : ફૂટપાથ ઉપરનાં અતિક્રમણને દૂર કરી રાહદારીઓને રક્ષણ અને રાહત આપવા સંબંધે સર્વોચ્ચ અદાલત દ્વારા અંગુલિનિર્દેશ પછી તંત્રના અનુકાર્ય સંબંધે વિષય બોલકો બનતાં આ બંદરીય શહેરમાં તાજેતરમાં પંદરેક દબાણો દૂર કરી દેવાયાં હોવાના નગર સેવા સદનના દાવાની સમાંતરે હજુ વધારે 30-40 નડતરરૂપ દબાણો દૂર કરવા તંત્ર આગળ વધી રહ્યું હોવાનું પાલિકાએ કહ્યું હતું. માંડવી શહેરને સ્પર્શતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર સરકારી તંત્ર કાર્યરત છે, જ્યારે બીચ રસ્તે અનંતદ્વારથી કિનારા-સ્મશાન લગી ફૂટપાથને નડતા ગાંડા બાવળ વગેરેની સફાઈ પ્રવાસન  તંત્ર-વિભાગ હસ્તક હોવાનું જાણવા મળ્યું હતું. સમય જતાં શહેરના ભૌતિક વિસ્તાર-વિકાસની સમાંતરે રસ્તાઓ પહોળા થવાને બદલે ગેરકાયદે દબાણો, પેશકદમી અને ધંધાર્થીઓ દ્વારા પથારો આગળ વધારાતાં માર્ગો સાંકડા થતા જાય છે. ટ્રાફિક સમસ્યા વકરે છે અને નાગરિક સલામતી સામે સવાલો ખડા થયા છે એટલે જનતાનો બળાપો સામે આવતો રહ્યો છે. પાલિકા તંત્રમાંથી હેડક્લાર્ક મનજીભાઈ પરમારે આપેલી જાણકારી પ્રમાણે છેલ્લા સપ્તાહ દરમ્યાન સ્થાનિક તંત્ર દ્વારા નગરપાલિકા રોડ, ગૌરવપથ, તળાવ ઓગન વગેરે એરિયામાંથી પંદરેક દબાણો દૂર કરવામાં આવ્યાં છે. આ સંબંધે હજુ વધારે 30-40 અતિક્રમણો દૂર કરવા તંત્ર આગળ વધી રહ્યું છે. નગરપાલિકાની હદમાં આવતા નડતરરૂપ દબાણો હટાવી દેવાશે. આગામી ઉત્સવો વેળાએ અડચણરૂપ કરાતાં દબાણો વગર નોટિસે હટાવી દેવાશે એવી ચેતવણી આપતાં ઉમેર્યું હતું કે, વિન્ડફાર્મ રસ્તે અનંતદ્વાર લગીનો વિસ્તાર પાલિકા, જ્યારે એ દ્વાર પછીથી બીચ લગી સ્મશાન લગીનો એરિયા પ્રવાસન તંત્રના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ હોવાથી તે સંબંધિત વિભાગ કાર્યવાહી કરશે. આ ઉપરાંત મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવાએ બિનઅધિકૃત દબાણો, પેશકદમી સામે લાલઆંખ કરતાં તાજેતરમાં પોલીસતંત્રને સાથે રાખી સંખ્યાબંધ દબાણો હટાવી માર્ગ ખુલ્લા કરાવાયા પછી એ વાસ્તે કાર્યવાહીમાં રુકાવટ આવવા નહીં દેવાય તેવી પ્રતિબદ્ધતા દર્શાવી હતી. સોનાવાળા નાકાથી સ્વામિનારાયણ મંદિર વગેરે રસ્તે દબાણો દૂર કરવામાં આવ્યાં છે, આવી રહ્યાં છે. આ વિભાગનો હવાલો સંભાળતા ચાંદનીબેન જોશીએ આપેલી વિગતો મુજબ તાલુકામાં ઓળખી કઢાયેલા 94 દબાણોમાંથી 53 દૂર કરાયાં છે, બાકીના 41 વિવિધ કારણે કાર્યાધીન છે. ભુજ ઓક્ટ્રોયથી શીતલા મંદિર, દાદાની દેરીથી જાગનાથ મંદિર, જૈન  સ્મશાન વિસ્તાર, મસ્કા ઓક્ટ્રોય સુધી ફૂટપાથ રસ્તે દબાણો, ગાંડા બાવળ નિર્મૂલ કરવાની માગણી જાગૃતોએ કરીને કહ્યું કે, જૂનાં બાંધકામ તોડીને નવું માળખું ઊભું કરતી વેળાએ રસ્તા ઉપર પર્યાપ્ત જગ્યા છોડવાની ચુસ્ત અમલવારી પ્રત્યે તંત્રની સુસ્તી સમસ્યાઓ કરાવી રહી હોવાનો બળાપો છે.

Panchang

dd