• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

આધારકાર્ડ બનાવાના બહાને મકાન વેચી મરાયું

ભુજ, તા. 13 : મૂળ ભુજ હાલે લંડન રહેતા 82 વર્ષીય વૃદ્ધ એનઆરઆઇને આધારકાર્ડ બનાવી દેવાના બહાને મકાનના દસ્તાવેજ મેલવી ગુજરાતી અક્ષરજ્ઞાન ઓછું જાણતા હોવાથી તેનો ગેરલાભ લઇ મકાનનું પાવરનામું બનાવી બારોબાર વેચી મરાતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે ગઇકાલે ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે 81 વર્ષીય નિવૃત્ત લલિતાબેન બાબુલાલ પરમાર (રહે. લંડન / વડોદરા, મૂળ ભાવેશ્વરનગર, ભુજ)એ આરોપી ભુજમાં વકીલની પ્રેક્ટિસ કરતા પુપુલ સંગાર, તેના ભાઇ ધર્મેશ, પિતા શિવજી બુધિયા સંગાર અને માતા ચંપાબેન તથા મકાન ખરીદનાર અંજના રોબીન સંગાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લલિતાબેને નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ તે વર્ષોથી લંડન રહે છે અને બ્રિટીશ પાસપોર્ટ ધરાવે છે. વખતો વખત વતન ભુજ આવી રોકાય છે. લલિતાબેનનું ભુજમાં આશાપુરા પાર્કમાં પોતાની માલિકીનું બીજું મકાન છે જેમાં તેમના કૌટુંબિક નણંદ નિરુપાબેન પરિવાર સાથે રહે છે. વર્ષ 2022માં ફરિયાદી લલિતાબેન લંડનથી ભુજ આવ્યા હતા. દીકરીના સાસરા પક્ષના સંબંધી હીનાબેનના સંપર્કમાં આવ્યા બાદ તેઓએ વી.ડી. સ્કૂલ પાસે આવેલી ઓફિસે શિવજીભાઇ સંગાર સાથે સંપર્ક કરાવ કહ્યું કે, આ શિવજીભાઇ જમીન લે-વેચનું કામ કરે છે. તેમનો દીકરો વકીલ છે. આ લોકોનું કંઇ કામ હોય તો કહેજો... ફરિયાદીએ કહ્યું કે, મારે નખત્રાણામાં મકાન વેચવાનું છે. જેના દસ્તાવેજ લંડન પડયા છે. શિવજીભાઇએ કહ્યું કે, તમારે કંઇપણ મિલકત વેચી કે લેવી હોય તો ભારતના આધાર-પુરાવા જોઇએ. આથી ફરિયાદીએ તેની પાસે પાસપોર્ટ તથા આશાપુરા પાર્કના મકાનના કાગળો હોવાની વાત કરી હતી. આથી શિવજીભાઇએ કહ્યું કે, તેના પરથી તમારો આધારકાર્ડ નીકળી જશે. આ બાદ ફરિયાદ આશાપુરા પાર્ક મકાનના દસ્તાવેજ અને પાસપોર્ટ તેઓને આપ્યા હતા. આ બાદ તેઓ ઓફિસે આવતા-જતા જ્યાં શિવજીભાઇ અને તેમના પુત્રો પુપુલ સંગાર અને ધર્મેશ સંગાર મળતા. દરમ્યાન 9/6/22ના શિવજીભાઇએ કહ્યું કે, આધારકાર્ડ બનાવા રજિસ્ટ્રાર ઓફિસે જવું પડશે. ત્યાં જતાં ધર્મેશ અને ચંપાબેન હાજર હતા. ધર્મેશભાઇએ કહ્યું કે, આધારકાર્ડ માટે હું કહું ત્યાં તમે સહીઓ કરી આપજો. ફરિયાદીએ કહ્યું, મને ગુજરાતી ભાષા ઓછી આવડે છે, તમો કહો તેમ સહી કરી આપું. આથી તેમના કહ્યા મુજબ સહીઓ કરી દીધી હતી. થોડા દિવસ બાદ આધારકાર્ડ અંગે પૂછતાં તેઓએ કહ્યું કે, તમે વિદેશી નાગરિક છો એટલે હવે આધારકાર્ડ બનશે નહીં. આથી ફરિયાદી પરત લંડન ચાલ્યા ગયા હતા અને ડોક્યુમેન્ટસની માગણી કરતાં આરોપીઓ બહાના બતાવતા હતા અને પરત ન આપ્યા. ફરિયાદી પાસેથી 2025માં આશાપુરા પાર્કવાળું મકાન વેચાતું લેવા તેમાં રહેતા નિરુપાબેને નક્કી કરતાં ફરિયાદીને અસલ દસ્તાવેજો ન મળતાં તેમણે ખરીનકલ કઢાવવા સોગંદનામું રજૂ કરીને ટાઇટલ ક્લિયરન્સ હેતુ નગરપાલિકામાંથી વેરાને લગતી વિગતો મેળવવા પ્રયાસ કરતાં જાણવા મળ્યું કે, મકાનની માલિકી બિદડા ગામના અંજના રોબીન સંગાર નામના મહિલાની છે ! આથી ફરિયાદીએ તપાસ કરતાં ફરિયાદીની જાણબહાર ચંપાબેન શિવજી સંગારના નામે તેમણે પાવરનામું આપ્યું હતું અને તે પાવરનામાના આધારે અંજનાબેનને મકાન વેચાયું છે. આથી ફરિયાદીએ શિવજીભાઇને ફોનથી વાત કરતાં તેમણે કહ્યું કે, `જે થયું તે થઇ ગયું, હવે હું તમને મકાનની કિંમત ચૂકવી આપીશ' કહી ફોન કટ કરી નાખ્યો અને તેમનો નંબર બ્લોક કરી દીધો હતો. આ વાતચીતની વોઇસ ક્લીપ ફરિયાદી પાસે હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે વિવિધ કલમ તળે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd