• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

ભુજનો ભરચક હોસ્પિટલ રોડ મોકળો થવાના સર્જાયા ઊજળા સંજોગો

ભુજ, તા. 13 : રાહદારીઓને ચાલવા માટે ફૂટપાથ અને માર્ગો દબાણમુક્ત કરાવવાના સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ભુજમાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. શહેરનો વ્યસ્ત રહેતો હોસ્પિટલ રોડ મોકળો થવાના સંજોગો સર્જાયા છે. શહેરના પોશ એરિયા વિજયનગરનો મુખ્ય માર્ગ હોસ્પિટલ રોડ ભૂકંપ બાદ પહોળો બનાવાયો, પણ રાહદારીઓ અને વાહનચાલકો માટે આજના સમયમાં ચાલવું દુષ્કર બન્યું છે. આજે ભુજ નગરપાલિકા દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશને પગલે માર્ગો પરનાં દબાણો હટાવવાની કાર્યવાહીના ભાગરૂપે લાલટેકરી સ્થિત ડો. વી. એચ. પટેલનાં દવાખાનાંથી પીજીવીસીએલના ગેટ સુધીના હોસ્પિટલ રોડની બંને બાજુ ઊભા રહેતા રજિસ્ટર થયેલા ફેરિયાઓ સાથે પાલિકા કચેરી ખાતે સાંજે 4 વાગ્યે મુખ્ય અધિકારી ટ્વિંકલ પટેલ દ્વારા બેઠક બોલાવાઇ હતી, જેમાં કોમર્સ કોલેજ રોડ પર શિફ્ટ થવાની સૂચના અપાવાની હતી. આ બેઠકમાં હોસ્પિટલ રોડ વિસ્તારના 70 જેટલા ફેરિયા પૈકી માત્ર 10 ફેરિયા જ હાજર રહ્યા હતા, જેથી મુખ્ય અધિકારીની સૂચનાથી નગરપાલિકાની દબાણ શાખા દ્વારા નોંધાયેલા અને નોંધણી વિનાના 60 ફેરિયાને બે દિવસની નોટિસ આપી ગેરકાયદેસર દબાણ કરી લારી-ગલ્લા રાખી ખાણી-પીણીનો ધંધો કરનારાઓને દૂર કરવા નોટિસ અપાઇ હતી. આ કામગીરી નગરપાલિકા દબાણ શાખાના કિશોરભાઇ શેખા અને જયદીપસિંહ ઝાલા દ્વારા કરાઇ હતી.

Panchang

dd