કેરા (તા. ભુજ), તા. 13 : જેના પિતા
કરસનબાપા, દાતા રામજીબાપા બંને ગૌસેવાર્થે જીવનની મૂડી
અર્પણ કરી જેનાં પગલે પુત્ર ધનજીએ આજીવન દાનનો `દરબાર'
ભર્યો તેમણે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ તેજસ્વી છાત્ર-છાત્રાઆને
સન્માન્યા હતા. બાપાએ કેરા-કુન્દનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટને માતબર દાનની લાગણી દર્શાવી
હતી. હરિકૃષ્ણ નિરાધાર ગૌસેવા નામે પાંજરાપોળમાં પ્રતિ વર્ષ તમામ ઘટત નિભાવ ધનજીભાઇ
તરફથી થાય છે. નવરાત્રિમાં તેમના પુત્રો હરીશભાઇ અને કિશોરભાઇ આશાપુરા પદયાત્રા કેમ્પ
યોજે છે. પાંચાડાના અનેક મંદિરો, ગૌશાળા, નિશાળો, હોસ્પિટલોમાં કરોડોનું દાન તેમના તરફથી છે. ભુજની
લેવા પટેલ હોસ્પિટલમાં આઇસીયુ વિભાગ પત્ની વેલબાઇનાં નામે છે. કેરા-કુન્દનપર લેવા પટેલ
શિક્ષણ ટ્રસ્ટ માટે તેમને અદકેરું માન છે કે, જ્યાં ગ્રામ્ય ક્ષેત્રના
1440 દીકરા-દીકરી ભવિષ્ય ઘડે છે
અને શહેરોની સમૃદ્ધ નિશાળો કરતાં સારું પરિણામ પ્રાપ્ત કરે છે. નારાણપરની નૂતન સરસ્વતી
શાળામાં દાયકાઓથી સેવા કરી છે. રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા ધનજીબાપાએ કોડાય ગુરુકુળ
સહિતના અનેક સત્સંગ સંલગ્ન પ્રકલ્પોમાં સાથ આપ્યો છે. દેશની આઝાદીના મંગળ પર્વે તેમણે
શિક્ષણ ટ્રસ્ટના દીકરા-દીકરીઓ સાથે સ્વાતંત્ર્ય અવસર મનાવ્યો હતો. તેમણે કહ્યું, જ્યારે જ્યારે વિદ્યાર્થીઓને જોઉં છું ત્યારે
અમારા બાળપણનો સંઘર્ષ સ્મરી આવે છે. અમને ન મળ્યું, પણ નવી પેઢીને
શિક્ષણની તક મળવી જોઇએ. કેરામાં અદ્યતન આઇ.ટી.આઇ.ની ભૂમિ તેમના પત્નીનાં નામે છે,
તો કચ્છના શિક્ષણવિદ્ સંત શાત્રી ધર્મજીવનદાસજીના શિષ્ય વર્તમાન મહંત
પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી પૂર્વાશ્રમે નારાણપરથી કેરા સાથે ભણવા જતા તે સંસ્મરણો
તાજા કર્યાં હતાં.