ડાર્વિન, તા. 13 : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પ્રથમ
ટેસ્ટનો પ્રથમ દિવસ પ્રવાસી ટીમ બાંગલાદેશનાં નામે રહ્યો હતો. બાંગલાદેશની કાતિલ બોલિંગ
સામે ઓસ્ટ્રેલિયાનો 198 રનમાં ધબડકો
થયો હતો. આ પછી દિવસના અંતે બાંગ્લાદેશે 1 વિકેટે 96 રન કરી મક્કમ
શરૂઆત કરી હતી. બાંગલાદેશ ટીમ હવે 102 રન પાછળ છે અને 9 વિકેટ હાથમાં છે. હસન મહમૂદે કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કરીને
55 રનમાં 6 વિકેટ લીધી હતી. તે ઓસ્ટ્રેલિયાની ધરતી
પર `ફાઈફર'
લેનારો પ્રથમ બાંગ્લાદેશી બોલર છે. ટોસ જીતી પ્રથમ બેટિંગ લેનાર ઓસ્ટ્રેલિયાએ
વિના વિકેટે 45 રન કરી મેચની
પ્રથમ કલાક પોતાનાં નામે કરી હતી. આ પછી બાંગલાદેશના ઝડપી બોલરો ત્રાટક્યા હતા અને
ઓસ્ટ્રેલિયાનો નાટકીય ધબડકો શરૂ થયો હતો. જેક વેદરાલ્ડ 23, ટ્રેવિસ હેડ 23, માર્નસ લાબુશેન 1, કેમરૂન ગ્રીન 13 રને આઉટ થયા હતા. ઉપરા ઉપરી
પાંચ વિકેટનાં પતનથી કાંગારુ ટીમ ભીંસમાં આવી ગઈ હતી. દબાણ વચ્ચે અનુભવી બેટર સ્ટિવન
સ્મિથે 109 દડામાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાથી 71 રનની ઇનિંગ રમી હતી. તે નવમી
વિકેટનાં રૂપમાં આઉટ થયો હતો. તેના સાથમાં એલેક્સ કેરીએ 19 અને બો બેલસ્ટરે 9 રનનું યોગદાન આપ્યું હતું. બાકીના પૂંછડિયા
ખેલાડીઓ સિંગલ ફીગરમાં આઉટ થયા હતા. આથી ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવના વાવટો 53 ઓવરમાં 198 રને વિંટાઈ ગયો હતો. હસન મહમૂદે
6 વિકેટ લીધી હતી. તસકીન અહમદ અને ઈબાદત હુસનને
2-2 વિકેટ મળી હતી. પ્રથમ દિવસની રમતના અંતે તંજિદ હસન 32 અને મોમિન્રલ હક 35 રને નોટઆઉટ રહ્યા હતા. આથી
બાંગલાદેશના 1 વિકેટે 96 રન થયા હતા. શાહમાન ઈસ્લામ 20 રને આઉટ થયો હતો. તેની વિકેટ સ્ટાર્કે લીધી હતી.