નવી દિલ્હી, તા. 13 : આધારકાર્ડ
યુઝર્સ માટે એક મહત્ત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ
સમયાંતરે નાગરિકોની સુવિધા વધારવા માટે નવા ફીચર્સ અને અપડેટ્સ બહાર પાડતું રહે છે.
આ જ શ્રેણીમાં હવે એક અત્યંત ઉપયોગી સુવિધા શરૂ કરવામાં આવી છે. યુઝર એમ-આધાર એપમાં
એક જ મોબાઈલ ફોન પર મહત્તમ પાંચ આધાર પ્રોફાઈલ ઉમેરીને તેને સરળતાથી મેનેજ કરી શકશે.
આ નવી સુવિધાથી પરિવારના અલગ-અલગ સભ્યોના આધારકાર્ડની માહિતી સંભાળવી પહેલાં કરતાં
ઘણી સરળ બનશે અને ફિઝિકલ આધારકાર્ડ સાથે લઈને ફરવાની જરૂર રહેશે નહીં. આ નવું ફીચર
ખાસ કરીને એવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે,
જેઓ પોતાના પરિવારના બાળકો, વડીલો કે અન્ય સભ્યોના
આધાર સાથે સંકળાયેલા કામકાજ સંભાળે છે. એક જ એપમાં અનેક પ્રોફાઈલ હોવાને કારણે આધાર
સંબંધિત સેવાઓનો ઉપયોગ વધુ સુવિધાજનક અને ઝડપી બનશે. યુઆઇડીએઆઇએ પોતાના સત્તાવાર સોશિયલ
મીડિયા હેન્ડલ એક્સ પર આ મહત્ત્વપૂર્ણ સુવિધા અંગે માહિતી શેર કરી છે, જેમાં પહેલાં અને અત્યારની સ્થિતિ વચ્ચે સરખામણી દર્શાવવામાં આવી છે. યુઝર્સે
પરિવારના તમામ સભ્યોના અલગ-અલગ ફિઝિકલ આધારકાર્ડ સાથે રાખવા પડતાં હતાં. પ્રવાસ કે અન્ય કામકાજ દરમિયાન કાર્ડ ખોવાઈ જવાનો
કે ખરાબ થઈ જવાનો સતત ડર રહેતો હતો. ઓળખપત્ર તરીકે આધાર દર્શાવતી વખતે એક-એક કરીને
કાર્ડ શોધવામાં અને બતાવવામાં વધુ સમય જતો હતો. આ નવું ફીચર આવ્યા બાદ એક જ મોબાઈલમાં
1થી 5 પ્રોફાઈલ બનાવી શકાશે, જેનાથી પરિવારના તમામ સભ્યોની વિગતો એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે. કાર્ડ સુરક્ષિત
અને પ્રાઈવેટ : ભૌતિક રીતે કાર્ડ સાથે રાખવાની જરૂર ન હોવાથી માહિતી વધુ સુરક્ષિત અને
પ્રાઈવેટ રહેશે. મેનેજ કરવામાં સરળતા, અનેક પ્લાસ્ટિક કે પેપર
કાર્ડ્સ સંભાળવાની અને સાચવવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે.