અંજાર, તા. 13 : અંજારની સાડી બજાર આખા દેશમાં
પ્રખ્યાત છે. સાડીઓના સરોવર તરીકે અંજારની એક ઓળખ છે પરંતુ જયાં સાડીઓની દુકાનો આવેલી
છે તે માલા શેરીમાં માર્ગની હાલત ખખડધજ જેવી છે. બીસ્માર માર્ગથી ત્રસ્ત વેપારીઓએ બજારમાં
રોડ કયારે બનશે સહીતના દેખાવ કરીને વ્યથા વ્યકત કરી હતી. માલાશેરી અંજાર રોડની લાંબા
સમયથી ચાલી રહેલી દયનીય હાલતને લઈને સ્થાનિક વેપારીઓ અને નાગરિકો પરેશાન છે. રોડની
ખરાબ સ્થિતિના કારણે વેપારીઓના ધંધા-વેપાર પર સીધી અસર થઈ રહી છે. ગજરાજાસિંહ એસ. રાણાની
આગેવાનીમાં સ્થાનિક વેપારીઓ સાથે મળી અ સ્થળ પર રોડ ક્યારે બનશે?ના પોસ્ટર સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન અંજાર નગરપાલિકાનું ધ્યાન દોરી રોડનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી
માંગ કરવામાં આવી હતી. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે રોડની
સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને કામ અંગે યોગ્ય ખાતરી આપવામાં આવે. નગરપાલિકા
જવાબદાર વ્યક્તિ દ્વારા યોગ્ય ખાત્રી નહિ મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વેપારીઓએ
આપી ઉચ્ચારી છે.