કાઠડા (તા. માંડવી), તા. 13 : માંડવી જતા દાદાની ડેરી પાસે આવેલ હડકમઇ માતાજીનો 17મો પાટોત્સવ અને દિવાસાના તહેવારની ઊજવણી
પટ્ટણી સમાજ દ્વારા બે દિવસીય કાર્યક્રમો સાથે કરાઇ હતી. દિવાસાનો તહેવાર પટ્ટણી સમાજ
માટે માત્ર એક પર્વ નથી, પરંતુ વર્ષોથી
ચાલી આવતી પરંપરા આસ્થા અને સ્વજનોની સ્મૃતિ સાથે જોડાયેલો મહત્ત્વપૂર્ણ દિવસ છે. આ
દિવસે પટ્ટણી સમાજના લોકો પોતાના સ્વર્ગસ્થ પરિવારજનોને યાદ કરી સ્મશાન ભૂમિ ખાતે શ્રદ્ધાપૂર્વક
પુષ્પાંજલિ અર્પણ કરે છે. પટ્ટણી સમાજના વર્ષોથી એક અનોખી પરંપરા ચાલી આવે છે,
જેથી દિવાસાના તહેવાર નિમિત્તે માંડવી તાલુકાભરના ગામડે ગામથી લોકો મોટી
સંખ્યામાં એકત્રિત થઇ મૃતક પરિવારજનોની યાદમાં શ્રીફળ, પુષ્પો
સહિતની સામગ્રી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપે છે. એક તરફ ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાનો
માહોલ હોય છે, તો બીજી તરફ સ્વજનો ગુમાવ્યાની લાગણીથી વાતાવરણ
ભાવવિભોર બની જાય છે અને આ દિવસે મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. સાથે પટ્ટણી
સમાજના આરાધ્ય અને આસ્થા કેન્દ્ર હડકમોઇ માતાજીના 17મા પાટોત્સવની ઉજવણી પણ કરાઇ હતી. પ્રારંભે
સવારે ધ્વજારોહણ, હવન,
બપોરે મહાપ્રસાદ, સાંજે રમેશભાઇ પટ્ટણી ગ્રુપ દ્વારા
મહાઆરતી અને રાત્રે દેવાયતભાઇ ખવડ, ભગવતીબેન ગોસ્વામી,
રમેશભાઇ જોષી, કલાકારો દ્વારા લોકડાયરો તથા સંતવાણી
યોજાઇ હતી. વિવિધ સમાજના આગેવાનો શૈલેશભાઇ (પો.ઇ. નલિયા), વિશાલભાઇ
ઠક્કર, ડાયાભાઇ ગઢવી, ધારાશાત્રી લક્ષ્મીચંદ
ફુફલ, પુનિતભાઇ જોષી, વાછિયાભાઇ સાખરા
(કાઠડા), રતન ગઢવી, સામાજિક આગેવાનો લાખાભાઇ
પટ્ટણી, જયંતીભાઇ પટ્ટણી, કાંતિભાઇ પટ્ટણી,
ફકીરાભાઇ પટ્ટણી વગેરે જોડાયા હતા. બીજા દિવસે માતાજીના આંગણામાં મેળો
ભરાયો હતો. કાર્યક્રમ દરમિયાન પો.ઇ. માંડવીના શ્રી બારોટ તથા સ્ટાફ અને માંડવી નગરપાલિકાનો
સહયોગ મળ્યો હોવાનું અગ્રણી રાજુભાઇ પટ્ટણીએ જણાવ્યું હતું. સંચાલન રમેશભાઇ જોષી તથા દિનેશભાઇ પટ્ટણીએ કર્યું હતું.